નેરુલ પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
નેરુલમાં આવેલી જાણીતી મેડિકલ કૉલેજમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનમાં ઍડ્મિશન અપાવવાના બહાને ૭૭.૬ લાખ રૂપિયા પડાવી જનારા ૬ ઠગ સામે નેરુલ પોલીસ બે કેસ નોંધ્યા છે. બે આરોપી છત્તીસગઢ અને બૅન્ગલોરના રહેવાસી હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ છત્તીસગઢના રાયગડમાં રહેતા ૫૯ વર્ષના એક પિતાએ ફરિયાદ કરી હતી કે ૬ લોકોએ તેમની પુત્રીને નેરુલની મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન અપાવવાની ખાતરી આપી હતી. ૨૦૨૨ના મે મહિનાથી ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં આરોપીઓએ તેમની પાસેથી કુલ ૧.૨૭ કરોડ રૂપિયા લીધા હતા. ફરિયાદીને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે ઍડ્મિશન બાબતે આરોપીઓએ આપેલાં કાગળિયાં, કૉલેજના ડૉક્યુમેન્ટ્સ અને તમામ મેસેજ નકલી હતાં. ત્યાર બાદ ફરિયાદીએ ઍડ્મિશન માટે ખુલાસો માગતાં આરોપીએ ૮૫ લાખ રૂપિયા રિટર્ન કર્યા હતા. બાકીના ૪૨ લાખ રૂપિયા પાછા ન આપતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કૉલેજના નકલી લેટરહેડ પર ઍડ્મિશન લેટર બનાવવામાં આવ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવતાં આ સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ થયું હતું. એ સંદર્ભે તપાસ કરતાં છમાંથી ત્રણ આરોપીઓ આવા જ એક અન્ય કેસમાં સપડાયા હોવાનું જણાયું હતું. આ જ સમયગાળામાં આરોપીએ નેરુલની કૉલેજમાં જ ઍડ્મિશન અપાવવાના બહાને બૅન્ગલોરના રહેવાસી પાસેથી ૩૫.૬૧ લાખ રૂપિયા લીધા હતા જેમાંથી માત્ર ૪.૩૯ લાખ જ પરત કર્યા હતા. નેરુલ પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તેમ જ કૉલેજ સાથે પણ આ કેસ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.

