રિપોર્ટ્સ મુજબ રિષબ શેટ્ટીની ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ’માં ભૂમિ પેડણેકર વીરાંગના બેલાવાડી મલ્લમ્માની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.
ભૂમિ પેડણેકર અને રિષબ શેટ્ટી
‘કાંતારા’ની જબરદસ્ત સફળતા બાદ રિષબ શેટ્ટી હવે ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને શૌર્યગાથાને મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. થોડા સમય પહેલાં છત્રપતિ શિવાજી મહારાજના લુકમાં રિષબ શેટ્ટીનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ભૂમિ પેડણેકરનો પણ ખાસ રોલ છે અને તે આ ઐતિહાસિક ફિલ્મમાં વીરાંગના બેલાવાડી મલ્લમ્માનું પાત્ર ભજવશે. ભૂમિની આ પહેલી ઐતિહાસિક ફિલ્મ હશે અને તે એક શૂરવીર યોદ્ધાના પાત્રમાં જોવા મળશે.
કોણ હતાં બેલાવાડી મલ્લમ્મા?
ADVERTISEMENT
બેલાવાડી મલ્લમ્માનું નામ ઇતિહાસનાં સુવર્ણ પાનાંઓમાં નોંધાયેલું છે. તેઓ કર્ણાટકનાં એક બહાદુર મહિલા યોદ્ધા હતાં. તેમણે દેશની પ્રથમ મહિલા સૈનિક-ટુકડીની રચના કરી હતી. રાણી મલ્લમ્મા તરીકે જાણીતાં બેલાવાડી મલ્લમ્માએ છત્રપતિ શિવાજી મહારાજ સામે પણ મોરચો સંભાળ્યો હતો અને તેમની સેના સામે યુદ્ધ કર્યું હતું. કહેવાય છે કે તેમને ચાર મહિનાનું બાળક હોવા છતાં યુદ્ધના મેદાનમાં ઊતર્યાં હતાં. તેમની વીરગાથા આજે પણ ઇતિહાસમાં અમર માનવામાં આવે છે.
