કિચનમાં લપસી પડ્યા એમાં જીવલેણ ઈજા થઈ : શુક્રવારે રાત્રે બનેલી આ દુર્ઘટનાની પરિવારજનોને છેક શનિવારે સવારે જાણ થઈ.
ફિલ્મમેકર સંજય ગુપ્તા
‘કાંટે’, ‘ઝિંદા’, ‘મુસાફિર’, ‘શૂટઆઉટ ઍટ વડાલા’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કરનારા જાણીતા ફિલ્મમેકર સંજય ગુપ્તાનું ૫૯ વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ પ્રમાણે તેઓ શુક્રવારે રાત્રે પોતાના વર્સોવાના ઘરના કિચનમાં પડી ગયા હતા, પણ તેમના પરિવારને આ ઘટનાની જાણ શનિવારે સવારે જ થઈ હતી. વર્સોવા પોલીસે આ મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો છે. પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ ગુનાહિત કાવતરું હોવાની આશંકા નથી અને તેમના મૃત્યુની આસપાસ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું નથી.
નૉર્થ ઝોન રીજન-૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પુરુષોત્તમ કરાડે જણાવ્યું હતું કે ‘શુક્રવારે મોડી રાત્રે સંજય ગુપ્તા પોતાના ઘરના કિચનમાં લપસી પડ્યા હતા. આ ઘટનામાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ ઈજાઓને કારણે તેમનું નિધન થયું હતું. સંજય ગુપ્તા પોતાના બંગલામાં પત્ની, બે બાળકો અને એક હેલ્પર સાથે રહેતા હતા. ઘટના બની ત્યારે પરિવારના તમામ સભ્યો ઊંઘી રહ્યા હતા. તેમને આ ઘટના વિશે સવારે જ જાણ થઈ હતી. પરિવારના કોઈ સભ્યએ આ મૃત્યુ વિશે શંકા વ્યક્ત કરી નથી કે પોલીસમાં કોઈ ફરિયાદ પણ નોંધાવી નથી.’
ADVERTISEMENT
ખરેખર શું બન્યું એ ઘરના CCTV કૅમેરામાં કૅપ્ચર થયું
રાત્રે બે વાગ્યે ડ્રૉઇંગ રૂમમાંથી કિચનમાં ગયા, ત્યાં બૅલેન્સ ગુમાવ્યું અને માથું દીવાલ સાથે અથડાયું
વર્સોવા પોલીસે આ ઘટનાના સંબંધમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો છે, સંજય ગુપ્તાના આકસ્મિક મૃત્યુ વિશે વાત કરતાં પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે તેમના ઘરે જઈને તપાસ કરી હતી. ઘરમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવ્યા છે અને પરિવારના દરેક સભ્ય માટે અલગ બેડરૂમ છે. તેઓ વર્સોવાના જે. પી. રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં રહેતા હતા. ઘરના CCTV કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું છે કે રાત્રે લગભગ બે વાગ્યે સંજય ગુપ્તા ડ્રૉઇંગ રૂમમાં બેઠા હતા. ત્યાર બાદ તેઓ રસોડામાં ગયા હતા અને એ દરમ્યાન તેમનું સંતુલન બગડતાં તેઓ દીવાલ સાથે અથડાઈને પડી ગયા હતા. આ સંતુલન બગડતાં રસોડા અને ડ્રૉઇંગ રૂમની વચ્ચે આવેલી દીવાલના ખૂણા સાથે તેમનું માથું અથડાયું હતું. ત્યાર બાદ તેઓ નીચે પડી ગયા હતા. તેમની નજીક એક કૂતરો પણ જોવા મળ્યો હતો. જોકે તેમની પત્ની અને બાળકો પોતપોતાના બેડરૂમમાં સૂતાં હોવાથી તેમને આ ઘટનાની જાણ થઈ નહોતી. સવારે પરિવારજનો ઊઠ્યા ત્યારે સંજય ગુપ્તા જમીન પર પડેલા હતા. તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી પણ વહી રહ્યું હતું.’
આ પછી સંજય ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરિવારજનોએ પોલીસ સાથે વાતચીત કરી છે અને કોઈની સામે શંકા વ્યક્ત કરી નથી.
સંજય ગુપ્તાની બૉલીવુડની સફર
સંજય ગુપ્તાએ ૧૯૯૪માં ફિલ્મ ‘આતિશ’થી ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, આદિત્ય પંચોલી, રવીના ટંડન, કરિશ્મા કપૂર અને અતુલ અગ્નિહોત્રી મુખ્ય ભૂમિકામાં હતાં. ત્યાર બાદ તેમણે ‘રામ શાસ્ત્ર’, ‘હમેશા’, ‘જંગ’ અને ‘ખૌફ’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. જોકે તેમને સૌથી વધારે લોકપ્રિયતા ૨૦૦૨માં રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કાંટે’થી મળી હતી. ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે ક્રાઇમ ડ્રામા, ઍક્શન થ્રિલર, ગૅન્ગસ્ટર ફિલ્મો અને સસ્પેન્સ ફિલ્મો બનાવી હતી.
સંજય ગુપ્તાએ ‘અલીબાગ’ નામની ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું, પણ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. ‘ધ મિરાન્ડા બ્રધર્સ’ સંજય ગુપ્તાએ ડિરેક્ટર કરેલી છેલ્લી ફિલ્મ હતી અને આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી.
સંજય ગુપ્તા માત્ર દિગ્દર્શક જ નહોતા, નિર્માતા તરીકે પણ તેમણે બૉલીવુડમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાઇટ ફેધર ફિલ્મ્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ બૅનર હેઠળ તેમણે અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. સંજય ગુપ્તાએ નિર્માતા તરીકે ‘પ્લાન’ (૨૦૦૪), ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ (૨૦૦૭), ‘વુડસ્ટૉક વિલા’ (૨૦૦૮), ‘ઍસિડ ફૅક્ટરી’ (૨૦૦૯), ‘પંખ’ (૨૦૧૦), ‘ધ ગ્રેટ ઇન્ડિયન બટરફ્લાય’ (૨૦૧૦), ‘જઝબા’ (૨૦૧૫), ‘મુંબઈ સાગા’ (૨૦૨૧) અને ‘વિસ્ફોટ’ (૨૦૨૪) જેવી ફિલ્મો બનાવી હતી.
ડિરેક્ટર તરીકેની ફિલ્મો
વર્ષ ફિલ્મ
૧૯૯૪ આતિશ
૧૯૯૫ રામ શાસ્ત્ર
૧૯૯૭ હમેશા
૨૦૦૦ જંગ
૨૦૦૦ ખૌફ
૨૦૦૨ કાંટે
૨૦૦૪ મુસાફિર
૨૦૦૬ ઝિંદા
૨૦૦૭ દસ કહાનિયાં
૨૦૧૩ શૂટઆઉટ ઍટ વડાલા
૨૦૧૫ જઝબા
૨૦૧૭ કાબિલ
૨૦૨૧ મુંબઈ સાગા
૨૦૨૪ ધ મિરાન્ડા બ્રધર્સ
સંજય ગુપ્તાએ ડિવૉર્સના ૬ વર્ષ પછી ભૂતપૂર્વ પત્ની અનુ સાથે ફરી કર્યાં હતાં લગ્ન

ફિલ્મમેકરે સ્પષ્ટતા કરી હતી કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલી એક ઘટનાની અસર તેમના લગ્નજીવન પર પણ પડી હતી
ફિલ્મમેકર સંજય ગુપ્તાનું ગઈ કાલે નિધન થયું હતું. તેમના પરિવારમાં અનુ તરીકે ઓળખાતી પત્ની અનુરાધા લેખી ગુપ્તા અને બે બાળકો છે.
સંજય ગુપ્તા અને અનુની લવસ્ટોરીમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા હતા. બન્નેએ લગભગ અઢી વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૧૯૯૭ની ૧૮ ઑગસ્ટે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નજીવનમાં મતભેદો વધતાં બન્ને અલગ થઈ ગયાં હતાં અને ૨૦૦૩માં તેમના છૂટાછેડા થયા હતા. લગ્નજીવનનો અંત આવ્યા પછી પણ સંજય ગુપ્તા પત્ની અનુને ભૂલી શક્યા નહોતા. તેમણે વર્ષો સુધી ફરી અનુને પોતાના જીવનમાં પાછી લાવવાના પ્રયાસો કર્યા હતા. આખરે ૨૦૦૯માં બન્નેએ ફરી લગ્ન કર્યાં હતાં. સમયાંતરે સંજય અને અનુ બન્નેએ પોતાનાં લગ્નજીવનમાં આવેલા વિખવાદો અને ફરી એક થવા પાછળનાં કારણો વિશે ખુલાસા કર્યા હતા. સંજય ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલી એક ઘટનાની અસર તેમના લગ્નજીવન પર પણ પડી હતી. અનુને સુરક્ષિત રાખવા માટે તેમણે કેટલીક બાબતો પત્નીથી છુપાવવી પડી હતી. જોકે આના કારણે બન્ને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી.
સંજયે થોડા સમય પહેલાં આ ઘટનાક્રમ વિશે જણાવ્યું હતું કે ‘મારા માટે એક ગેરસમજ દૂર કરવા માટે અંડવરવર્લ્ડના કેટલાક લોકો સાથે વાતચીત કરવી જરૂરી હતી. આ માટે મારા એક મિત્રએ મને એક ખાલી ફ્લૅટની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાં જઈને હું આ વ્યક્તિ સાથે વાતચીત કરતો હતો. આ સિલસિલો ચારથી પાંચ મહિના સુધી ચાલ્યો હતો. આ સમયે હું અનુને કહી શકતો નહોતો કે ક્યાં જાઉં છું. તેને લાગતું હતું કે મારું કોઈની સાથે અફેર છે. મારે તેને આ બધી બાબતોથી દૂર રાખવાની હતી. અમારા લગ્નજીવનમાં અન્ય મતભેદો પણ હતા પણ આ ઘટના છૂટાછેડા માટેનાં મુખ્ય કારણોમાંની એક હતી. અમારા લગ્નજીવનની સમસ્યા મારામાં હતી. હું સફળ નહોતો, મારી પાસે કામ નહોતું, હું ખૂબ દારૂ પીતો હતો અને અન્ય મહિલાઓ સાથે રિલેશનશિપમાં હતો. હું ક્યારેય અનુથી અલગ થઈ શક્યો નહોતો. મને ખબર હતી કે જ્યાં સુધી તે ફરી લગ્ન ન કરે ત્યાં સુધી તેની સંભાળ રાખવી એ મારી નૈતિક જવાબદારી છે. મેં નક્કી કરી લીધું હતું કે મારે તેને ફરી મારા જીવનમાં લાવવી જ છે. ત્યાર બાદ અમે ૨૦૦૯માં ફરી લગ્ન કર્યાં અને હવે અમારાં બે બાળકો છે.’
તારું સપનું પૂરું કરવા કાંટે 2 બનાવીશ

સંજય દત્તે દિવંગત મિત્ર સંજય ગુપ્તાને આપી શ્રદ્ધાંજલિ
અભિનેતા સંજય દત્તે પોતાના દિવંગત મિત્ર અને ફિલ્મમેકર સંજય ગુપ્તાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. સંજય ગુપ્તાનું શુક્રવારે મધરાતે તેમના ઘરે અકસ્માતે પડી જવાથી નિધન થયું હતું. તેમના નિધનના સમાચારથી
ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. સંજય દત્તે સોશ્યલ મીડિયા પર સંજય ગુપ્તા સાથેની જૂની તસવીરો શૅર કરીને વર્ષો જૂની મિત્રતાને યાદ કરી હતી.
સંજય દત્તે પોતાની પોસ્ટમાં સંજય ગુપ્તા સાથેના સંબંધો વિશે લખ્યું હતું કે ‘ગુપ્ત્સ, મારા ભાઈ. હજી પણ હું માની શકતો નથી કે તું હવે આપણી વચ્ચે નથી. આપણે સાથે મળીને કેટલો સમય વિતાવ્યો છે, કેટલીયે યાદો અને મિત્રતાનાં કેટલાંય વર્ષો આપણી પાસે છે. તું હંમેશાં મારા પરિવારનો જ એક હિસ્સો રહ્યો છે અને એ ક્યારેય બદલાશે નહીં. મને તારી, આપણી વાતચીતની અને સાથે વિતાવેલી દરેક પળની ખોટ સાલશે હમણાં જ આપણે ‘કાંટે 2’ વિશે વાત કરી હતી. મારા ભાઈ, તારા સપનાને સાકાર કરવા માટે હું તારી યાદમાં ‘કાંટે 2’ બનાવીશ. તારું આ સપનું પૂરું થાય એ માટે હું બધું જ કરીશ. તને હંમેશાં પ્રેમ કરતો રહીશ. ભાઈ, તારા વિના જીવન પહેલાં જેવું નહીં રહે. ભગવાન તારા આત્માને શાંતિ આપે.’
સંજય દત્ત સાથે જમાવી હતી ખાસ જોડી
સંજય ગુપ્તાની ફિલ્મી કારકિર્દીમાં સંજય દત્ત સાથેની તેમની ભાગીદારીનું ખાસ મહત્ત્વ રહ્યું હતું. બન્નેએ ‘આતિશ’, ‘કાંટે’, ‘મુસાફિર’, ‘ઝિંદા’, ‘ખૌફ’ અને ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ જેવા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું. સંજય ગુપ્તાની ફિલ્મોમાં સંજય દત્તના ઍક્શન અને ઇન્ટેન્સ પાત્રો દર્શકોમાં ખાસ લોકપ્રિય રહ્યાં હતાં.
સંજય ગુપ્તાના અવસાનથી કાબિલ 2નું ભવિષ્ય અધ્ધરતાલ

ફિલ્મમેકર સંજય ગુપ્તા ‘કાબિલ’ની સીક્વલ ‘કાબિલ 2’ના પ્લાનિંગમાં વ્યસ્ત હતા. રિપોર્ટ પ્રમાણે સંજય ગુપ્તા આ ફિલ્મની સ્ક્રિપ્ટ અગાઉથી જ પૂરી કરી ચૂક્યા હતા અને તેમને માત્ર હૃતિક રોશન અને રાકેશ રોશનની મંજૂરીની રાહ હતી. તેમણે વચન પણ આપ્યું હતું કે ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં વધુ દમદાર અને ખતરનાક હશે. જોકે સંજય ગુપ્તાના નિધન બાદ હવે ‘કાબિલ 2’નું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે, કારણ કે ફિલ્મના શૂટિંગની કોઈ તારીખ નક્કી થઈ નહોતી તેમ જ પ્રોડક્શન-શેડ્યુલ કે અંતિમ કલાકારો વિશે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.
