ફૅન્સના આ સવાલો પછી નિર્માતા નિધિ દત્તાએ સ્પષ્ટતા કરી છે
`બૉર્ડર 2`ની નિર્માતા નિધિ દત્તા
સની દેઓલ સ્ટારર વૉર ડ્રામા ‘બૉર્ડર 2’ ૨૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૯૯૭માં આવેલી બ્લૉકબસ્ટર ‘બૉર્ડર’ની સીક્વલ છે. જોકે પહેલા ભાગમાંથી માત્ર સની દેઓલ જ ‘બૉર્ડર 2’માં જોવા મળશે અને એમાં સનીની પત્નીનો રોલ ભજવનાર તબુને સીક્વલમાં કાસ્ટ કરવામાં આવી નથી. ‘બૉર્ડર 2’ની નિર્માતા જે. પી. દત્તાની દીકરી નિધિ દત્તા છે. હાલમાં નિધિએ એક ઇન્ટરવ્યુમાં ‘બૉર્ડર 2’માં તબુને ન લેવા માટેના કારણનો ખુલાસો કર્યો છે.
નિધિ દત્તાએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું છે કે ‘‘બૉર્ડર 2’ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ના યુદ્ધથી અલગ એક યુદ્ધ પર આધારિત છે. આ કારણથી પહેલા ભાગના માત્ર થોડા જ કલાકારો આ ફિલ્મમાં નજર આવશે. સની દેઓલ આ ફિલ્મમાં ‘બૉર્ડર’ના પાત્ર કુલદીપ સિંહ ચાંદપુરીનું પાત્ર ભજવી રહ્યો નથી એટલે સ્પષ્ટ છે કે તેની પત્ની પણ અલગ જ હશે.’
ADVERTISEMENT
‘બૉર્ડર 2’ વિશે વાત કરતાં નિધિ દત્તાએ કહ્યું, ‘આ એક જવાબદારી છે, માત્ર વિચાર નથી. આપણા દિવંગત ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે થોડાં વર્ષો પહેલાં મને અને મારા પિતાને દિલ્હી બોલાવ્યા હતા. એ સમયે તેમણે અમને ૨૨ એવા નાયકોની વાર્તાઓ સંભળાવી હતી જેમાંથી ૩-૪ વાર્તાઓ આ ફિલ્મમાં સમાવાઈ છે. તેમણે કહ્યું હતું કે આ આપણા શહીદો અને સૈનિકોની કેટલીક વાર્તાઓ છે જેને જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. તેમણે આ જવાબદારી મને અને મારા પિતાને સોંપી હતી. ત્યાર બાદ દુર્ભાગ્યવશ આપણે તેમને એક હેલિકૉપ્ટર અકસ્માતમાં ગુમાવ્યા. તેથી હું કહીશ કે આ ફિલ્મ માત્ર મારું અને મારા પિતાનું સપનું નથી; મને લાગે છે કે આ દિવંગત જનરલ બિપિન રાવતજીનું પણ સપનું હતું. આ સપનું ‘બૉર્ડર 2’ તરીકે હવે તમારી સામે હશે.’


