કોર્ટમાં સલમાન ખાન વતી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ સંદીપ સેઠીએ જણાવ્યું હતું કે ઘણાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ સલમાનના પર્સનાલિટી રાઇટ્સનું સતત ઉલ્લંઘન કરી રહ્યાં છે
સલમાન ખાન
ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ અને ઑનલાઇન ઇન્ટરમીડિયરી કંપનીઓને નિર્દેશ આપ્યો કે એ સલમાન ખાનની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો સલમાનના નામ, ફોટો અને ઓળખનો ઉપયોગ કરીને ખોટી રીતે મર્ચન્ડાઇઝ વેચી રહ્યા છે. આ મામલે સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે સલમાન ખાનની પિટિશનને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી રૂલ્સ 2021 હેઠળ દાખલ કરાયેલી ફરિયાદ માનવી જોઈએ અને ૩ દિવસની અંદર કાર્યવાહી થવી જોઈએ, જો એવું નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટમાં સલમાન ખાન વતી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ સંદીપ સેઠીએ જણાવ્યું હતું કે ઘણાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ સલમાનના પર્સનાલિટી રાઇટ્સનું સતત ઉલ્લંઘન કરી રહ્યાં છે. તેણે કોર્ટને એવાં ઉદાહરણો પણ આપ્યાં જ્યાં ફેક ન્યુઝ અને ગેરમાર્ગે દોરતી સામગ્રી શૅર કરવામાં આવી હતી. તેણે દલીલ કરી કે આવા ખોટા ઉપયોગથી ફક્ત તેમના પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન થતું નથી, એનાથી જનતા પણ ગેરમાર્ગે દોરાય છે અને ત્રીજા પક્ષને અયોગ્ય લાભ મળે છે.


