સંજય કપૂરની સંપત્તિનો વિવાદ હાઈ કોર્ટ સુધી પહોંચતાં પ્રિયા કપૂરે દાવો કર્યો કે ૨૦૨૫માં સંજય કપૂરે બનાવેલી વસિયતમાં તેની સંપૂર્ણ વ્યક્તિગત મિલકત પ્રિયાના નામે કરી દેવામાં આવી હતી
ફાઇલ તસવીર
દિલ્હી હાઈ કોર્ટમાં કરિશ્મા કપૂરના દિવંગત ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની સંપત્તિને લઈને ચાલી રહેલી કાનૂની લડત ફરી ચર્ચામાં આવી છે. બિઝનેસમૅન સંજય કપૂરની મિલકતને લઈને તેની માતા રાની કપૂર, ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂર અને તેનાં બાળકો અને ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર આમને-સામને છે. સુનાવણી દરમ્યાન દિલ્હી હાઈ કોર્ટે આ સમગ્ર વિવાદને અત્યંત દુખદ પરિસ્થિતિ ગણાવી પરિવારને પરસ્પર સંમતિથી ઉકેલ લાવવા અને મધ્યસ્થતા પર ગંભીરતાથી વિચાર કરવા સલાહ આપી છે.
સંજય કપૂરની સંપત્તિનો વિવાદ હાઈ કોર્ટ સુધી પહોંચતાં પ્રિયા કપૂરે દાવો કર્યો કે ૨૦૨૫માં સંજય કપૂરે બનાવેલી વસિયતમાં તેની સંપૂર્ણ વ્યક્તિગત મિલકત પ્રિયાના નામે કરી દેવામાં આવી હતી. બીજી તરફ કરિશ્મા કપૂરનાં બે બાળકો અને સંજયની માતા રાની કપૂરે આ વસિયતને નકલી ગણાવી અદાલતમાં પડકાર્યો છે. રાની કપૂરે પરિવારના આર. કે. ટ્રસ્ટને પણ ગેરકાયદે ગણાવી એને રદ કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
આ મામલાની સુનાવણી કરતી જસ્ટિસ મિની પુષ્કર્ણાએ નોંધ્યું કે આ વિવાદને કારણે આખો પરિવાર માનસિક અને ભાવનાત્મક નુકસાન ભોગવી રહ્યો છે. તેણે ટિપ્પણી કરી કે ભગવાને પરિવારને ઘણાં ધન-સંપત્તિ આપ્યાં છે, એનો લાભ સૌને મળવો જોઈએ અને એને પરસ્પર ઝઘડામાં બગાડવાં ન જોઈએ. હાઈ કોર્ટે પ્રિયા કપૂરના વકીલને મધ્યસ્થતા માટે જરૂરી પગલાં લેવા સૂચન કર્યું. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે હવે પ્રિયા એકલી છે અને તેની તથા બાળકોની સંભાળ પણ જરૂરી છે. કોર્ટે તમામ પક્ષોના વકીલોને પોતાના ક્લાયન્ટ સાથે ચર્ચા કરીને તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે કે નહીં એ જણાવવા કહ્યું છે.


