ચોથા ધોરણમાં ભણતી એશા દેઓલને ક્લાસમેટે આ સવાલ પૂછ્યો એ પછી તેને પપ્પા ધર્મેન્દ્રનાં બે લગ્નો વિશે ખબર પડી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હેમા માલિનીએ પોતાની આત્મકથા ‘હેમા માલિની : બિયૉન્ડ ધ ડ્રીમ ગર્લ’માં લખ્યું છે કે એશાને કઈ રીતે ધર્મેન્દ્રનાં બે લગ્નની ખબર પડી. આ આત્મકથામાં જણાવાયું છે કે એશા જ્યારે ચોથા ધોરણમાં હતી ત્યારે તેની એક ક્લાસમેટે તેને પૂછ્યું હતું કે ‘તારી બે મમ્મી છેને?’ આ વાતથી શરૂઆતમાં એશા ગૂંચવાઈ ગઈ હતી અને ઘરે જઈ મમ્મીને પૂછ્યું ત્યારે હેમાએ સમગ્ર સત્ય સમજાવ્યું હતું. નોંધનીય છે કે લગ્ન પછી હેમા પોતાની બન્ને દીકરીઓ એશા અને આહના સાથે રહેતી હતી જ્યારે ધર્મેન્દ્ર પોતાની પ્રથમ પત્ની પ્રકાશ અને તેમનાં સંતાનો સાથે રહેતા.
આ પ્રકારની કુટુંબવ્યવસ્થા વિશે એશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને આ વાતને લઈને ક્યારેય દુખની લાગણી નથી થઈ, કારણ કે મારાં માતા–પિતાએ ક્યારેય મને અસહજ અનુભવ થવા દીધો નહીં. મારા પપ્પા રોજ અમારી પાસે આવતા અને સાથે ભોજન કરતા, પરંતુ ઘરે રોકાતા નહીં. તેમ છતાં મને હંમેશાં માતા–પિતાનો પ્રેમ મળ્યો અને તેઓ આનંદથી સાથે રહે છે.’
ADVERTISEMENT
એશાના જન્મ વખતે ધર્મેન્દ્રએ બુક કરી લીધી હતી આખી હૉસ્પિટલ
ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ૧૯૮૦માં લગ્ન કર્યાં હતાં અને ૧૯૮૧ના નવેમ્બર મહિનામાં જ્યારે તેમની મોટી દીકરી એશા દેઓલનો જન્મ થવાનો હતો ત્યારે પ્રાઇવસી જાળવવા અને મીડિયામાં કોઈ માહિતી લીક ન થાય એની ખાતરી કરવા માટે ધર્મેન્દ્રએ નર્સિંગ હોમના બધા રૂમ બુક કરી લીધા હતા. હેમાની મિત્ર નીતુ કોહલીએ આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે હકીકતમાં કોઈને પણ ખબર નહોતી કે હેમા ગર્ભવતી હતી અને એશાના જન્મને સીક્રેટ રાખવા ધર્મેન્દ્રએ આ પગલું ભર્યું હતું.


