આ મહિલા ટોઇંગ-ફી કે નો-પાર્કિંગ ચાર્જ આપ્યા વગર તેની કાર જબરદસ્તી ડ્રાઇવ કરીને લઈ ગઈ હોવાનો આરોપ પોલીસે કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ટોઇંગ-યાર્ડમાં શનિવારે સાંજે એક મહિલા તેની કાર લેવા માટે પહોંચી હતી ત્યારે ખતરનાક ડ્રામા સર્જાયો હતો. આ મહિલા ટોઇંગ-ફી કે નો-પાર્કિંગ ચાર્જ આપ્યા વગર તેની કાર જબરદસ્તી ડ્રાઇવ કરીને લઈ ગઈ હોવાનો આરોપ પોલીસે કર્યો છે.
સાંતાક્રુઝ ટ્રાફિક ડિવિઝનમાં ડ્યુટી બજાવતા કૉન્સ્ટેબલે દાખલ કરેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પ્રમાણે ૨૨ નવેમ્બરે જુહુ તારા રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલી એક કારને લઈ જવા માટે ઘણી વાર સુધી મેગાફોન પર અનાઉન્સમેન્ટ્સ કરી હોવા છતાં કોઈ એ ગાડી હટાવવા આવ્યું નહોતું એટલે એ ગાડીને ટો કરીને યાર્ડમાં લઈ આવવામાં આવી હતી અને ઈ-ચલન એન્ટ્રી ઇશ્યુ કરવામાં આવી હતી. એ જ દિવસે બપોરે બે વાગ્યાની આસપાસ એક મહિલા ટોઇંગ-યાર્ડમાં આવીને પોતાની કાર પાછી માગવા સાથે ત્યાંના સ્ટાફ સાથે ધાકધમકી કરવા લાગી હતી. પોતાની કાર જોઈને તે મહિલા તરત ચાવી કાઢીને કારમાં બેસી ગઈ હતી અને ડ્રાઇવ કરવાની કોશિશ કરવા લાગી હતી. ત્યાં હાજર બે કૉન્સ્ટેબલોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને વિનંતી કરી હતી કે ચાર્જ ભરી દીધા પછી ફૉર્માલિટીઝ પૂરી કરીને તે પોતાની કાર લઈ જઈ શકે છે. જોકે કૉન્સ્ટેબલોનું સાંભળવાને બદલે તે મહિલાએ કારને સ્પીડ આપી હતી અને કૉન્સ્ટેબલો સામે ઊભા હોવા છતાં કાર ધીમી નહોતી કરી. છેલ્લી ઘડીએ અડફેટથી બચવા માટે બન્ને કૉન્સ્ટેબલોએ કૂદીને પોતાને બચાવ્યા હતા. એ પછી મહિલા પોતાની કાર લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી.
વધુ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ મહિલાના નામે ૭૫૦૦ રૂપિયાના કુલ ૧૦ પેન્ડિંગ ફાઇન્સ પહેલાંથી છે. આ ઘટનાના ફોટોગ્રાફ્સ અને અન્ય પુરાવાઓના આધારે સાંતાક્રુઝ પોલીસે આરોપી મહિલાની શોધ કરી હતી.


