૫૫૦ પોલીસ અને મ્યુનિસિપલ કર્મચારીઓની ૨૦ ટીમોએ તળાવ પર થયેલાં ગેરકાયદે ૯૦૦ મકાનો દૂર કરીને તળાવની જગ્યા ખુલ્લી કરી
ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે ઇસનપુર તળાવનો વારો આવ્યો છે અને તળાવની જગ્યામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં છે. ઇસનપુર તળાવની હદમાં થઈ ગયેલાં ગેરકાયદે કાચાં-પાકાં મકાનોને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ વિભાગના ૫૫૦ ઑફિસરો સહિતના કર્મચારીઓએ ૨૦ ટીમ બનાવીને ગઈ કાલે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. તળાવમાં ઊભા થઈ ગયેલાં ગેરકાયદે દબાણો તોડી પાડવા માટે તળાવ વિસ્તારને ૪ વિભાગમાં વહેંચીને ૯૦૦ જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરીને આશરે એક લાખ ચોરસ મીટર જેટલી તળાવની જગ્યા ખુલ્લી કરી હતી.


