હાલમાં એક પંજાબી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં હરજિતે જણાવ્યું હતું કે તેણે હજી ફિલ્મ જોઈ નથી
એક દૃશ્યમાં હરજિત ઑટો-ડ્રાઇવર તરીકે તેને ઘરે પહોંચાડતો જોવા મળે છે
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ક્લાઇમૅક્સમાં રણવીર સિંહ સાથે એક ઑટો-ડ્રાઇવર જોવા મળે છે જે તેને તેના ઘર સુધી પહોંચાડે છે. આ ઑટો-ડ્રાઇવરનું રિયલ નામ હરજિત છે. ફિલ્મનાં અંતિમ દૃશ્યોમાં રણવીર સિંહનું પાત્ર જસકિરત (હમઝા) લાંબા સમય બાદ પોતાના વતન પઠાનકોટ પરત ફરતો જોવા મળે છે. વર્ષો પછી પોતાના પરિવારને દૂરથી જોતાં તે ભાવુક થઈ જાય છે, કારણ કે તેની માતા અને બહેન તેને મરેલો માનીને પોતાનું જીવન આગળ વધારી ચૂક્યાં હોય છે. આ જ દૃશ્યમાં હરજિત ઑટો-ડ્રાઇવર તરીકે તેને ઘરે પહોંચાડતો જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ દૃશ્યમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર આ વ્યક્તિએ હજી સુધી ફિલ્મ જાતે જ નથી જોઈ. કરોડોની કમાણી કરનાર આ ફિલ્મની ટિકિટના ઊંચા ભાવને કારણે તે હજી થિયેટર સુધી પહોંચી શક્યો નથી.
હાલમાં એક પંજાબી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં હરજિતે જણાવ્યું હતું કે તેણે હજી ફિલ્મ જોઈ નથી. તેણે કહ્યું કે ‘મેં હજી ફિલ્મ નથી જોઈ. ટિકિટ લગભગ ૫૦૦ રૂપિયાની છે અને ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે એથી હજી સુધી જોવાની તક મળી નથી. મારો પરિવાર મને ફિલ્મ જોવા માટે કહેતો હતો, પરંતુ અમે પાંચ લોકો છીએ. કુલ ૨૫૦૦ રૂપિયા ખર્ચ થાય અને એટલા પૈસા અમે એક મહિને બચાવીએ છીએ. એથી મેં તેમને કહ્યું કે થોડો સમય રાહ જોઈશું અને પછી ફિલ્મ જોઈશું.’
