ઍક્ટ્રેસે તેના સૌપ્રથમ પ્રોજેક્ટ બૉબી જાસૂસ પ્રોડ્યુસ કરવા સમયના કપરા સંજોગોની વાત કરી
વિદ્યા બાલન અને દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ ઍક્ટિંગની સાથે-સાથે ફિલ્મના પ્રોડક્શન પર પણ હાથ અજમાવ્યો હતો. ૨૦૧૪માં તેણે મહિલાકેન્દ્રિત ફિલ્મ ‘બૉબી જાસૂસ’ પ્રોડ્યુસ કરી હતી અને એમાં મુખ્ય ભૂમિકામાં વિદ્યા બાલન જોવા મળી હતી. જોકે આ ફિલ્મને બનાવતી વખતે દિયાને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.
આ ફિલ્મ બનાવતી વખતે આવી પડેલી સમસ્યા વિશે વાત કરતાં દિયાએ કહ્યું હતું કે ‘મને કહેવામાં આવ્યું હતું કે જો હું ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કરીશ તો મને ઍક્ટ્રેસ તરીકે કામ મળવાનું ઓછું થઈ જશે અને ખરેખર એવું જ થયું. થોડા સમય માટે મને ઑફર્સ ખૂબ ઓછી મળવા લાગી. ભારતમાં જો કોઈ મહિલા પ્રોડ્યુસર બને તો લોકો એવું માની લે છે કે તેને હવે ફિલ્મોમાં અભિનય કરવાનો રસ નથી. આ ગેરસમજ તોડવામાં મને ઘણો સમય લાગ્યો. મેં મારી પહેલી ફિલ્મ ‘બૉબી જાસૂસ’ બનાવવા માટે ઘણી મહેનતથી ખરીદેલું મારું પહેલું ઘર ગિરવી મૂક્યું હતું. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર હતી, વિદ્યા બાલન જેવી પ્રતિભાશાળી અભિનેત્રીની તારીખો પણ મળી ગઈ હતી અને આખી ટીમ તૈયાર હતી, પણ અચાનક સ્ટુડિયોએ આ પ્રોજેક્ટમાંથી હાથ ખેંચી લીધા. આખરે મેં બૅન્કમાંથી લોન લીધી અને ઘર ગિરવી મૂકીને ફિલ્મ પૂર્ણ કરી. મને આ ફિલ્મ પર ખૂબ ગર્વ છે. એ એક સુંદર ફિલ્મ છે અને એને બનાવવા માટે જે જોખમ લીધું એનો ક્યારેય અફસોસ નથી. આ ફિલ્મ માટે મેં વિદ્યા પાસે બિલકુલ ડિસ્કાઉન્ટ નહોતું માગ્યું અને મને લાગે છે કે મેં વિદ્યાને તેની કરીઅરની શ્રેષ્ઠ ફીમાંથી એક આપી હતી. ફિલ્મ સંપૂર્ણપણે તેના પાત્ર પર આધારિત હતી, તો પછી મુખ્ય અભિનેત્રીને યોગ્ય મહેનતાણું કેમ ન આપવું? આ ફિલ્મ દ્વારા મને જીવનભરની એક સાચી મિત્ર પણ મળી.’
