દિલજીત દોસાંઝે CJPના વિરોધ પર તેમણે પોતાને આવા મુદ્દાઓથી દૂર રાખવાની અપીલ કરી.કહ્યું કે તેઓ માત્ર કલાકાર છે અને રાજકારણ કે વિરોધ પ્રદર્શન સાથે તેમનો કોઈ સંબંધ નથી.
દિલજીત દોસાંઝ (સૌજન્ય મિડ-ડે)
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા લગભગ બે અઠવાડિયાથી કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરો ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. દિલજીત દોસાંઝના નિવેદનથી કોકરોચ જનતા પાર્ટીએ નિરાશા વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે દિલજીત દોસાંઝે જે ટિપ્પણી કરી છે, તે ખૂબ જ દુઃખદ છે.
ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર લાઇવ સેશન દરમિયાન દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ માત્ર એક કલાકાર છે. રાજકારણ અથવા કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન સાથે તેમનો કોઈ સંબંધ નથી. દિલજીતે તેમના ચાહકોને અપીલ કરી કે તેમને આવા મુદ્દાઓથી દૂર રાખવામાં આવે. કોકરોચ જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પર દિલજીત દોસાંઝની પ્રતિક્રિયા
ADVERTISEMENT
બુધવારે સાંજે દિલજીત દોસાંઝે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે લાઇવ વાતચીત કરી હતી. આ દરમિયાન એક ચાહકે તેમને દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ વિશે તેમની પ્રતિક્રિયા પૂછીછે. તેના જવાબમાં દિલજીતે કહ્યું, "જંતર-મંતર ક્યાં છે વિરોધ માટે? ભાઈ, મને આવા વિરોધ પ્રદર્શનથી દૂર રાખો." તેમણે વધુમાં કહ્યું, "હું માત્ર એક કલાકાર છું, કોઈ રાજકારણી નથી." દિલજીતે કહ્યું કે લોકો તેમના વિશે શું વિચારે છે તેની તેમને જાણ નથી. પરંતુ તેઓ પોતાને માત્ર મનોરંજનની દુનિયા સુધી જ સીમિત રાખવા માંગે છે.
લાઇવ સેશન દરમિયાન દિલજીતે ગુરુ ગ્રંથ સાહેબની પંક્તિ "નાનક દુખિયા સબ સંસાર, સો સુખિયા જિસ નામ આધાર"નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જીવનમાં દરેક વસ્તુ હંમેશા સારી હોય એવું શક્ય નથી. આ દુનિયામાં બધું જ સંપૂર્ણ રીતે યોગ્ય થઈ શકે એવું નથી. ત્યારબાદ તેમણે વિવાદ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું. હળવા અંદાજમાં તેમણે કહ્યું, "જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને પણ અભિનંદન અને જેમના વિરુદ્ધ વિરોધ થઈ રહ્યો છે તેમને પણ અભિનંદન." તેમણે ઉમેર્યું કે આ સમગ્ર મામલે તેમને વધુ માહિતી નથી. દિલજીત `ઓરા ટૂર 2026` ના ભાગ રૂપે વિશ્વભરમાં મ્યુજીક કોન્સર્ટ કરી રહ્યો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું માગી રહી છે CJP
દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આ આંદોલનનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટી (CJP) કરી રહી છે. આ સંગઠનની શરૂઆત એક ડિજિટલ વ્યંગ્ય (સટાયર) ગ્રુપ તરીકે થઈ હતી. તેના સ્થાપક અભિજીત દિપકે છે. આ સંગઠન 20 જૂનથી NEET પરીક્ષામાં થયેલી ગડબડી અને પેપર લીક મામલે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે.
દિલજીતે પહેલા જ રાજકારણમાં આવવાનો ઇનકાર કર્યો હતો
રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે દિલજીત દોસાંઝે અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું, "મારું કામ માત્ર લોકોનું મનોરંજન કરવાનું છે. હું મારા આ ક્ષેત્રમાં ખૂબ ખુશ છું." કામની વાત કરીએ તો દિલજીત તાજેતરમાં નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ `મેં વાપસ આઉંગા` માં જોવા મળ્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત તેઓ પોતાના `ઔરા ટૂર 2026` હેઠળ વિશ્વભરમાં મ્યુઝિક કોન્સર્ટ પણ કરી રહ્યા છે.
