આ કાર્યક્રમમાં સાન્યા મલ્હોત્રા, કરિશ્મા કપૂર અને રાશા થડાણી સહિત અનેક જાણીતી સેલિબ્રિટીઓ હાજર રહી હતી
દિલજિત દોસાંઝે સ્ટેજ પર ઍક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાને બોલાવીને તેની સાથે ડાન્સ કરીને ચાહકોને સરપ્રાઇઝ આપ્યું હતું
શુક્રવારે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાયેલી કૉન્સર્ટમાં દિલજિત દોસાંઝે સ્ટેજ પર ઍક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાને બોલાવીને તેની સાથે ડાન્સ કરીને ચાહકોને સરપ્રાઇઝ આપ્યું હતું. આ કાર્યક્રમમાં સાન્યા મલ્હોત્રા, કરિશ્મા કપૂર અને રાશા થડાણી સહિત અનેક જાણીતી સેલિબ્રિટીઓ હાજર રહી હતી. સ્ટેજ પર દિલજિત અને સાન્યાની કેમિસ્ટ્રીને જોઈને ત્યાં હાજર દર્શકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
દિલજિત અને સાન્યાના ચર્ચામાં આવેલા વિડિયોમાં દિલજિત પહેલાં તો સાન્યાને સ્ટેજ પર બોલાવે છે અને પોતાનું ગીત ‘ચાર્મર’ તેને સમર્પિત કરે છે. આ દરમ્યાન દિલજિત ઘૂંટણિયે બેસી જાય છે અને ગીત ગાતાં-ગાતાં સાન્યાનો હાથ પકડે છે. ત્યાર બાદ બન્ને સાથે ડાન્સ કરે છે. આ પછી દિલજિત સાન્યાને સ્ટેજ પરથી નીચે સુધી મૂકવા જાય છે. આ સમયે દિલજિતે સાન્યાને ગિફ્ટ હૅમ્પર પણ આપ્યું હતું. સાન્યાએ દિલજિતનાં ખૂબ વખાણ કર્યાં ત્યારે તે થોડો શરમાઈ ગયો હતો અને હળવાશથી કહ્યું હતું કે ‘હવે હું શરમાઈ જઈશ.’
ADVERTISEMENT
સાન્યા અને દિલજિતે ‘ચાર્મર’ ગીતના મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કર્યું હતું. આ ગીત ટૂંક સમયમાં હિટ થઈ ગયું હતું અને સાન્યાના ડાન્સ-મૂવ્સને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. કૉન્સર્ટ દરમ્યાન દિલજિતે આ ગીતની સફળતાનું શ્રેય સાન્યાને આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘સાન્યાએ જ આ ગીતને હિટ બનાવ્યું છે. તેણે આ ગીત પર રીલ્સ બનાવી જેના કારણે જ ગીત હિટ થયું.’
દિલજિતની કૉન્સર્ટમાં સ્ટાર્સનો મેળો
દિલજિતની કૉન્સર્ટમાં અવનીત કૌર, રાશા થડાણી, સુઝૅન ખાન અને અર્સલાન ગોની સાથે જૅસ્મિન ભસીન સહિતની અન્ય જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. આ કૉન્સર્ટમાં કરિશ્મા કપૂર મોકળા મને દિલજિતના પર્ફોર્મન્સનો આનંદ માણતી જોવા મળી હતી. કરિશ્મા તેનાં ગીતો પર ઝૂમતી હતી અને તેણે પોતાના ફોનમાં કૉન્સર્ટની કેટલીક ક્ષણો પણ કેદ કરી હતી. દિલજિતે સ્ટેજ પર ‘સાંસોં કી માલા’ ગીત ગાયું ત્યારે કરિશ્મા પણ તેની સાથે ગાતી જોવા મળી હતી.
