ગોવિંદાના દીકરાને હીરો તરીકે ચમકાવતી હૉરર ફિલ્મ ‘હીરો કી હૉરોરોઇન’નો ડરામણો ફર્સ્ટ લુક જાહેર, જય હો મીડિયા વેન્ચર્સના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ પ્રસ્તુત કરી રહી છે.
‘હીરો કી હૉરોરોઇન’નો ફર્સ્ટ લુક
શુક્રવાર અને 13 તારીખનું કૉમ્બિનેશન હવે ડરનું એક નવું કારણ લઈને આવ્યું છે. આ કૉમ્બિનેશનને અંધશ્રદ્ધા અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. આ ખાસ અવસર પર એકતા આર. કપૂર અને અમર બુટાલાએ તેમની આગામી ફિલ્મ ‘હીરો કી હૉરોરોઇન’ના ટાઇટલની જાહેરાત કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાન કરી રહ્યો છે. ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા ફિલ્મનો હીરો છે. જય હો મીડિયા વેન્ચર્સના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ પ્રસ્તુત કરી રહી છે. ફિલ્મનાં નિર્માતા શોભા કપૂર, એકતા આર. કપૂર અને અમર બુટાલા છે. આ ફિલ્મ 2027માં થિયેટરોમાં રિલીઝ થશે.
ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં એક અત્યંત ડરામણો ચહેરો
ADVERTISEMENT
ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં એક અત્યંત ડરામણો ચહેરો જોવા મળી રહ્યો છે. લાંબા વાળ, લોહી જેવા લાલ રંગની સાડી, ભયાનક અને વિકૃત ચહેરો, સફેદ આંખો, અણીદાર દાંત અને પંજા જેવા હાથ સાથે એક ખોફનાક મહિલાનું રૂપ જોવા મળે છે. ધુમાડા અને અંધકારથી ભરેલા બૅકગ્રાઉન્ડમાં તેનું આ રૂપ ફિલ્મની ડરામણી દુનિયાની ઝલક આપે છે. ફિલ્મનું ટાઇટલ ભલે હિરોઇન વિશે વાત કરતું હોય, પરંતુ એનો ફર્સ્ટ લુક જોઈને સ્પષ્ટ થાય છે કે આ હૉરોરોઇનનો સામનો કરવો દરેકના ગજાની વાત નથી.
‘હીરો કી હૉરોરોઇન’નું ટાઇટલ
‘હીરો કી હૉરોરોઇન’નું ટાઇટલ એવા સમયે સામે આવ્યું છે જ્યારે એકતા આર. કપૂર માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. તેની ફિલ્મ ‘ભૂત બંગલા’એ બૉક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે ‘ધ વન’ને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ટેલિવિઝન પર ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ અને ‘નાગિન 7’ દ્વારા બાલાજીએ પોતાના ફિક્શન કન્ટેન્ટને આગળ વધાર્યું છે. આ ઉપરાંત કંપનીએ યુટ્યુબ સાથે મળીને એક્સક્લુઝિવ પ્રીમિયમ શોઝ દ્વારા ડિજિટલ દુનિયામાં પણ પોતાનાં પગલાં આગળ વધાર્યાં છે.
એકતા ફરી એક વાર હૉરર જૉન્રમાં વાપસી કરી રહી છે. આ પહેલાં પણ તે આ જૉન્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. આ વખતે પણ તે સુપરનૅચરલ, ડર અને મનોરંજનનું એવું મિશ્રણ લઈને આવી રહી છે જે દર્શકોને એક અલગ અનુભવ આપવાનું વચન આપે છે.
ફિલ્મમાં ડર, રોમાંચ અને મનોરંજનનો રસપ્રદ સમન્વય
બીજી તરફ અમર બુટાલા પણ આ ફિલ્મ માટે એકતા સાથે હાથ મિલાવી રહ્યા છે. તેઓ આ પહેલાં ‘બજરંગી ભાઈજાન’ અને ‘કેસરી’ જેવી સફળ ફિલ્મો ઉપરાંત સમીક્ષકોની પ્રશંસા મેળવનારી ફિલ્મ ‘મિશન મજનૂ’નું પણ નિર્માણ કરી ચૂક્યા છે. સાજિદ ખાનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ તેમના કમર્શિયલ સિનેમાના અનુભવને હૉરર જૉન્ર સાથે જોડે છે. આવી સ્થિતિમાં ફિલ્મમાં ડર, રોમાંચ અને મનોરંજનનો એક રસપ્રદ સમન્વય જોવા મળી શકે છે.
