પહેલા દિવસે આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૨.૩૫ કરોડ રૂપિયા રળ્યા, છેલ્લાં પાંચ વર્ષમાં કંગનાની કોઈ ફિલ્મે આટલું ઓપનિંગ નથી મેળવ્યું
કંગના રનૌત ‘ઇમર્જન્સી’માં
લાંબા સમય સુધી વિવાદમાં રહ્યા બાદ કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ શરૂઆતના દિવસે આ ફિલ્મનું ઓપનિંગ ધમાકેદાર નથી રહ્યું. આ ફિલ્મ શુક્રવારે દેશભરનાં સિનેમાઘરોમાં આવી હતી. જોકે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વિરોધને કારણે ‘ઇમર્જન્સી’ને પંજાબનાં થિયેટરોમાં રિલીઝ કરવામાં નથી આવી. આ ફિલ્મે રિલીઝના દિવસે ૨.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે આશ્વાસન એ વાતનું છે કે ‘ઇમર્જન્સી’ છેલ્લાં પાંચ વર્ષમાં કંગનાની આ સૌથી મોટું ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે.
આ ફિલ્મનું બજેટ ૨૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે ક્રિટિક્સે ફિલ્મની પ્રશંસા કરી છે અને કંગનાની ઍક્ટિંગને શાનદાર ગણાવી છે. આ ફિલ્મની કમાણી ચોક્કસપણે ઘણી ઓછી છે. જોકે એમ છતાં કોવિડ પછી કંગનાને છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી મોટી ઓપનિંગ મળી છે. કંગનાની આ પહેલાંની ફિલ્મ ‘તેજસ’ને ૨૦૨૩માં સવા કરોડ રૂપિયા જેટલું ઓપનિંગ મળ્યું હતું.
કંગનાને ૨૦૧૫ પછી કોઈ મોટી હિટ ફિલ્મ નથી મળી. ૨૦૧૫ પછી તેની ૧૦ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે જેમાંથી ‘મણિકર્ણિકા’ ઍવરેજ સાબિત થઈ હતી અને બાકીની ૯ ફ્લૉપ રહી હતી. ‘તેજસ’ પહેલાં ૨૦૨૨માં રિલીઝ થયેલી તેની ‘ધાકડ’ ફિલ્મે પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ પહેલાં તામિલનાડુનાં મુખ્ય પ્રધાન દિવંગત જયલલિતા પર બનેલી બાયોપિક ‘થલાઇવી’એ ૨૦૨૧માં ઓપનિંગના દિવસે ૧.૪૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ઇમર્જન્સી’ પહેલાનું સૌથી મોટું ઓપનિંગ ૨૦૨૦માં રિલીઝ થયેલી ‘પંગા’એ પહેલા દિવસે ૨.૭૦ કરોડની કમાણી કરીને મેળવ્યું હતું.