Entertainment Updates: ક્રિસમસ ટ્રીને જાહ્નવી કપૂરે સજાવ્યું ડૉગ, મમ્મી, પપ્પા અને બોટોક્સ સિરિન્જના મિનિએચરથી; સોહા અલી ખાને પરિવાર સાથે સ્ટાર્ટ કરી દીધું ક્રિસમસ સેલિબ્રેશન અને વધુ સમાચાર
સેલેબ્ઝનું ક્રિસમસ સેલિબ્રેશન
સોહા અલી ખાને પરિવાર સાથે સ્ટાર્ટ કરી દીધું ક્રિસમસ સેલિબ્રેશન

ADVERTISEMENT
ક્રિસમસ વીકની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોહા અલી ખાને પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશનની શરૂઆત કરી દીધી છે. સોહાએ આ ઉજવણીની જે તસવીરો શૅર કરી છે એમાં તે મમ્મી શર્મિલા ટાગોર, બહેન સબા અને ભાઈ-ભાભી સૈફ અલી ખાન તથા કરીના કપૂર તથા બાળકો સાથે નજરે પડે છે. આ તસવીરોમાં આખો પરિવાર એકસાથે સેલિબ્રેટ કરતો જોવા મળે છે.
ક્રિસમસ ટ્રીને જાહ્નવી કપૂરે સજાવ્યું ડૉગ, મમ્મી, પપ્પા અને બોટોક્સ સિરિન્જના મિનિએચરથી

જાહ્નવી કપૂરે પોતાની બહેન ખુશી કપૂર અને મિત્રો સાથે મળીને ક્રિસમસ ટ્રી ડેકોરેટ કર્યું છે અને આ ડેકોરેશનની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ ડેકોરેશન કરતી વખતે જાહ્નવી બ્લૅક ટી-શર્ટ અને પાયજામામાં જોવા મળી હતી અને આ ટી-શર્ટ પર ‘ડૉગ મૉમ’ લખેલું હતું અને ડૉગ-પ્રેમી જાહ્નવીએ ક્રિસમસ ટ્રી પર ડૉગનું મિનિએચર પણ લગાવ્યું હતું. આ ઉપરાંત તેણે પિતા બોની કપૂર અને મમ્મી શ્રીદેવીનાં મિનિએચર પણ ટ્રી પર સજાવ્યાં હતાં, જેને જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા. જાહ્નવી અને ખુશીએ આ ક્રિસમસ ટ્રી પર બોટોક્સ સિરિન્જનું મિનિએચર પણ લગાવ્યું હતું જેને જોઈને મોટા ભાગના લોકોને આંચકો લાગ્યો છે.
દીકરી સાથે અભિષેક અને ઐશ્વર્યા ઊપડ્યાં ન્યુ યર સેલિબ્રેશન માટે

થોડા સમય પહેલાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અણબનાવની ચર્ચા હતી. જોકે આ દંપતીએ તમામ અફવાઓને નકારી કાઢતાં સતત જાહેરમાં સાથે દેખાઈને બધાને જવાબ આપ્યો છે. હાલમાં દીકરી આરાધ્યાની સ્કૂલના ઍન્યુઅલ ફંક્શનમાં સાથે હાજરી આપ્યા બાદ ઐશ્વર્યા અને અભિષેક મંગળવાર સવારે આરાધ્યા સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં અને ત્રણેય ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન માટે બહાર જવા રવાના થયાં છે. ઍરપોર્ટ પર અભિષેક, ઐશ્વર્યા રાય અને આરાધ્યા બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આ દરમ્યાન ઐશ્વર્યાએ ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવીને તેમને પૉઝિટિવ ફીડબૅક પણ આપ્યો હતો.
હૃતિક રોશન ગર્લફ્રેન્ડ અને દીકરાઓ સાથે સજીધજીને પહોંચ્યો કઝિનનાં લગ્નમાં

હાલમાં હૃતિક રોશનના કાકા અને મ્યુઝિક-કમ્પોઝર રાજેશ રોશનના દીકરા ઈશાન રોશને તેની લૉન્ગ-ટાઇમ પાર્ટનર ઐશ્વર્યા સિંહ સાથે સગાઈ કરી છે અને હવે હાલમાં નજીકના પરિવારજનો તથા મિત્રોની હાજરીમાં લગ્નવિધિઓ ચાલી રહી છે. આવી જ એક વિધિમાં હૃતિક રોશન, ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને દીકરાઓ રેહાન અને રિધાને ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને હાજરી આપી હતી. આ આઉટફિટમાં હૃતિક અને સબા તો સુંદર લાગતાં જ હતાં પણ હૃતિકના દીકરાઓ પણ બહુ ક્યુટ લાગી રહ્યા હતા.
ફારાહ ખાનનાં ત્રણેય બાળકો હાયર સ્ટડીઝ માટે જશે અમેરિકા

ફિલ્મમેકર ફારાહ ખાને ૨૦૦૮માં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા બે દીકરીઓ અને એક દીકરાને જન્મ આપ્યો હતો અને આ ટ્રિપ્લેટ્સ દિવા, આન્યા અને ઝાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. હવે ફારાહનાં બાળકોનો સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને સ્કૂલના અભ્યાસ પછી તેઓ આગળ અભ્યાસ માટે અમેરિકાની અલગ-અલગ યુનિવર્સિટીમાં જઈ રહ્યાં છે. સ્કૂલની એક પોસ્ટ મુજબ ફારાહ ખાનની દીકરી દિવાએ અમેરિકાના વેલેસ્લી સ્થિત પ્રાઇવેટ બિઝનેસ સ્કૂલ બૅબ્સન કૉલેજમાં ઍડ્મિશન લીધું છે. ત્યાં તે ઑન્ટ્રપ્રનરશિપ અને ફાઇનૅન્સનો અભ્યાસ કરશે. સ્કૂલે આપેલી માહિતી પ્રમાણે ફારાહની બીજી દીકરી આન્યા ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સ અને ડેટા સાયન્સનો અને દીકરો ઝાર ઍટ્લાન્ટામાં આવેલી પ્રાઇવેટ રિસર્ચ યુનિવર્સિટીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરશે.
તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી માટે હીરો કાર્તિક આર્યનને મળી હિરોઇન અનન્યા પાંડે કરતાં દસગણી વધારે ફી
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેને લીડ રોલમાં ચમકાવતી ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ક્રિસમસના દિવસે રિલીઝ થવાની છે. દોઢસો કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મના લીડ ઍક્ટર્સની ફી વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ફિલ્મના હીરો કાર્તિક આર્યનને પચાસ કરોડ રૂપિયા ફી પેટે ચૂકવવામાં આવ્યા છે જે હિરોઇન અનન્યા પાંડેની પાંચ કરોડ રૂપિયાની ફી કરતાં દસગણી વધારે છે.
હર્ષવર્ધન રાણેને મળી એકતા કપૂરની બિગ બજેટ ફિલ્મ
હર્ષવર્ધન રાણે છેલ્લે ‘એક દીવાને કી દીવાનિયત’માં જોવા મળ્યો હતો અને એમાં તેની ઍક્ટિંગ દર્શકોને પસંદ પડી હતી. હવે હર્ષવર્ધનને એકતા કપૂરની બિગ બજેટ ફિલ્મ ‘શૂટઆઉટ ઍટ દુબઈ’ માટે સાઇન કરી લેવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના OTT રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદી લીધા છે. ‘શૂટઆઉટ ઍટ દુબઈ’ મોટા પાયે શૂટ થનારી ઍક્શન થ્રિલર ફિલ્મ છે. હાલમાં તો આ ફિલ્મની વાર્તા વિશે વધુ વિગતો બહાર આવી નથી, પણ મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં દુબઈની ગ્લૅમરસ અને ખતરનાક દુનિયા દર્શાવવામાં આવશે.
ભારતી સિંહના બીજા દીકરાનું નામ કાજુ?

કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બીજા દીકરાના પેરન્ટ્સ બન્યાં છે. આ બન્નેએ દીકરાના જન્મ પછી તેમણે શૅર કરેલી પોસ્ટમાં એક ક્યુટ વિડિયો છે જેમાં કપલ બૅબી બૉયનાં કપડાં બતાવતું નજરે પડે છે અને જણાવે છે કે તેઓ ફરી એક વાર પુત્રનાં માતા-પિતા બન્યાં છે. આ કપલે પોસ્ટ સાથે કૅપ્શન લખી છે, ‘લિંબાચિયા ઍન્ડ સન્સ... ફરીથી દીકરો થયો છે.’
ભારતી સિંહે ઑક્ટોબરમાં પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ વખતે કપલને દીકરી જન્મે એવી ઇચ્છા હતી. ભારતી સિંહે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેને એક દીકરી જોઈએ છે, પરંતુ આ વખતે પણ તેમના ઘરે પુત્રનું આગમન થયું છે. ભારતી અને હર્ષના મોટા દીકરાનું નામ લક્ષ્ય છે, જેને બધા પ્રેમથી ગોલા કહે છે. પ્રેગ્નન્સી દરમ્યાન ભારતીએ વ્લૉગમાં જણાવ્યું હતું કે ગોલાએ પોતાના આવનારા ભાઈને કાજુનું નામ આપ્યું છે અને પરિવારે આ લાડકું નામ અપનાવી લીધું. આ વ્લૉગને કારણે હવે ભારતીના બીજા દીકરાને લોકો કાજુ તરીકે ઓળખવા લાગ્યા છે.


