સનીનાં આ જૂતાંએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું હતું અને આને જોઈને કેટલાક લોકોને સનીનું વ્યક્તિત્વ સાદગીભર્યું લાગે છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સની દેઓલ ૨૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે નેટવર્થ ધરાવે છે, પણ તે પોતાની આગામી ફિલ્મ ‘ઇક્કા’ના ટ્રેલર-લૉન્ચમાં ઘસાઈ ગયેલાં જૂતાં પહેરીને પહોંચ્યો હતો અને ઇવેન્ટ દરમ્યાન સનીનાં આ જૂતાં કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. સનીનાં આ જૂતાંએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું હતું અને આને જોઈને કેટલાક લોકોને સનીનું વ્યક્તિત્વ સાદગીભર્યું લાગે છે તો કેટલાક લોકો આ મામલે તેને ટ્રોલ કરી રહ્યા છે.
અક્ષય ખન્નાને જે સફળતા મળી છે એના માટે તે સંપૂર્ણ હકદાર છે
ADVERTISEMENT
સની દેઓલ કહે છે કે કયો સમય તમારા માટે હશે એ કોઈને ખબર હોતી નથી
સની દેઓલની આગામી ફિલ્મ ‘ઇક્કા’ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સની દેઓલ સાથે અક્ષય ખન્ના પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સોમવારે યોજાયેલા ફિલ્મના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સનીએ ફિલ્મના સહકલાકાર અક્ષય ખન્નાનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું કે આજે તેને જે સફળતા મળી રહી છે એના માટે તે સંપૂર્ણ હકદાર છે.
અક્ષય ખન્ના વિશે વાત કરતાં સનીએ કહ્યું, ‘અક્ષય અને મેં પહેલાં ‘બૉર્ડર’માં સાથે કામ કર્યું હતું. એ અમારી પહેલી ફિલ્મ હતી. એ સમયે પણ અમે ખૂબ આનંદ કર્યો હતો અને આ ફિલ્મમાં પણ સાથે કામ કરવાની ઘણી મજા આવી છે. હું તેને ઘણાં વર્ષોથી ઓળખું છું. તે મારા કરતાં પણ વધુ શાંત અને ઇન્ટ્રોવર્ટ સ્વભાવનો છે. તે ખૂબ સારો માણસ છે.’
સનીએ આ પછી અક્ષય ખન્નાની ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા વિશે પણ વાત કરી. તેણે કહ્યું, ‘આ તેનો સમય છે. કયો સમય તમારા માટે હશે એ કોઈને ખબર હોતી નથી. તમારે માત્ર સતત કામ કરતા રહેવાનું હોય છે. ક્યારેય આશા છોડવી નહીં અને મહેનત કરતા રહેવું. અક્ષયે પણ એવું જ કર્યું છે. આજે તે સફળતાનાં શિખરો સર કરી રહ્યો છે. તે આ સફળતાનો હકદાર છે અને એનાથી પણ વધુ સફળતા મેળવવાનો હકદાર છે. હું તેના માટે ખૂબ ખુશ છું.’
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ કર્યાં બાબા મહાકાલનાં દર્શન

પરિણીતિ ચોપડાએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં તેનો અને પતિ રાઘવ ચઢ્ઢાનો મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરવાનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં પરિણીતિ પીચ રંગની સાડીમાં માથું ઢાંકીને જોવા મળે છે જ્યારે રાઘવ ચઢ્ઢા ટ્રેડિશનલ પોશાકમાં જોવા મળે છે. વિડિયોમાં બન્ને મંદિરના પૂજારીઓ સાથે શ્રદ્ધાભાવપૂર્વક બેસીને ભગવાન શિવની પ્રાર્થના કરતા જોવા મળે છે.
ભૂમિ પેડણેકરે રાજસ્થાનના પવિત્ર શહેર પુષ્કરની લીધી આધ્યાત્મિક મુલાકાત

ભૂમિ પેડણેકરે તાજેતરમાં રાજસ્થાનના પવિત્ર શહેર પુષ્કરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની આ આધ્યાત્મિક અને ભાવનાત્મક સફરનો અનુભવ સોશ્યલ મીડિયા પર ચાહકો સાથે શૅર કર્યો છે. ભૂમિએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પુષ્કર પ્રવાસની અનેક તસવીરો અને વિડિયો શૅર કર્યા છે અને લખ્યું કે ‘પુષ્કર એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ, પ્રાચીન કથાઓ અને આસ્થા એકસાથે મળીને મનને સ્પર્શી જાય છે. આ યાત્રા દરમ્યાન ત્યાંનાં પવિત્ર મંદિરો અને ઘાટો પર મને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક સાંત્વનનો અનુભવ થયો. આપણે બધા ભગવાન બ્રહ્માની સુંદર રચના છીએ. પુષ્કરમાં ફરતી વખતે મારા મનમાં સતત આ જ વિચાર આવતો રહ્યો. આ શહેરમાં ૧૧૦૦થી વધુ મંદિરો આવેલાં છે અને એ ભગવાન બ્રહ્માનું મુખ્ય તીર્થસ્થળ છે. અહીંની કથાઓથી મારું મન રોમાંચની લાગણીથી ભરાઈ ગયું હતું.’ ભૂમિએ પુષ્કરમાં મંદિરોનાં દર્શન ઉપરાંત ત્યાંની એક પશુ સેવા સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતે તેના મન પર ઊંડી છાપ છોડી હતી. આ સંસ્થામાં એવાં નિરાધાર અને ઘાયલ પ્રાણીઓની સંભાળ રાખવામાં આવે છે જેઓ કોઈ અકસ્માત અથવા ક્રૂરતાનો ભોગ બન્યાં હોય. આ સંસ્થામાં લકવાગ્રસ્ત ગાયો, પક્ષીઓ, બતકો, વાંદરાઓ અને અન્ય અનેક પ્રાણીઓને પ્રેમ અને સન્માન સાથે રાખવામાં આવે છે. ભૂમિએ લખ્યું કે ‘આ મૂક પ્રાણીઓની સેવા જોઈને મને સમજાયું કે સેવા જ પૂજાનું સૌથી સાચું સ્વરૂપ છે.’
ઍરપોર્ટ પર પ્રીતિ ઝિન્ટાને ન મળી કોઈ VIP ટ્રીટમેન્ટ

સિક્યૉરિટી ઑફિસરે ઍક્ટ્રેસને ગૉગલ્સ ઉતારીને ચહેરો બતાવવાની સૂચના આપી
હાલમાં પ્રીતિ ઝિન્ટાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ થયેલી પ્રીતિ એન્ટ્રી દરમ્યાન રેગ્યુલર સિક્યૉરિટી ચેકિંગમાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન દસ્તાવેજોની ઓળખની પુષ્ટિ કરવા માટે એક સિક્યૉરિટી અધિકારીએ તેને ગૉગલ્સ ઉતારવા કહ્યું હતું અને કોઈ VIP ટ્રીટમેન્ટ આપી નહોતી. આ ઘટનાના વિડિયોમાં પ્રીતિ થોડી અસહજ લાગી હતી પણ આમ છતાં ઘણા લોકોએ સુરક્ષા-અધિકારીના ફરજ પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી છે.
કંગના રનૌતે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા ક્વીન 2નું શૂટિંગ પૂરું થયું હોવાના ગુડ ન્યુઝ
કંગના રનૌતની લેટેસ્ટ ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ને બૉક્સ-ઑફિસ પર સફળતા નથી પણ તેની આગામી ફિલ્મ ‘ક્વીન 2’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાણકારી શૅર કરી હતી અને આ સાથે તેણે ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સાથે ઉજવણી કરતી એક તસવીર પણ પોસ્ટ કરી હતી. આ તસવીરમાં કંગના અને ટીમ ખુશખુશાલ જોવા મળી હતી. ‘ક્વીન 2’નું શૂટિંગ પૂર્ણ થતાં હવે ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં પ્રવેશી ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ‘ક્વીન 2’ની સત્તાવાર રિલીઝ-તારીખ જાહેર કરી નથી. આ ફિલ્મમાં કંગના ફરી એક વાર પોતાના લોકપ્રિય પાત્ર રાની મેહરા તરીકે જોવા મળશે.
રામાયણનું ટ્રેલર લૉન્ચ થશે લૉસ ઍન્જલસમાં?
રણબીર કપૂરની ‘રામાયણ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાં એની ગણના થાય છે અને એનું બજેટ અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફિલ્મ દિવાળીના અવસરે રિલીઝ કરવાની તૈયારી છે. રિપોર્ટ છે કે ‘રામાયણ’ માટે દુબઈમાં એક ભવ્ય ઇવેન્ટ યોજવાનું પ્લાનિંગ છે અને હવે લેટેસ્ટ માહિતી પ્રમાણે ‘રામાયણ’ની રિલીઝના ૧૦૦ દિવસ પહેલાં જ નિર્માતાઓ ટ્રેલર રજૂ કરવાની તૈયારીમાં છે. જોકે આ ઇવેન્ટ ભારતમાં નહીં પણ લૉસ ઍન્જલસમાં ભવ્ય રીતે યોજાશે. આ એક ભવ્ય ઇવેન્ટ હશે, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહેવાની શક્યતા છે અને દર્શકો માટે કેટલીક સરપ્રાઇઝ પણ રાખવામાં આવી શકે છે. જોકે ટ્રેલર-લૉન્ચ વિશે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
