Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજરનો ઉપયોગ કરીને ગુના આચરતી ગૅન્ગ સામે હવે લાગશે MCOCA

ટીનેજરનો ઉપયોગ કરીને ગુના આચરતી ગૅન્ગ સામે હવે લાગશે MCOCA

Published : 01 July, 2026 07:29 AM | Modified : 01 July, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુવેનાઇલ ઍક્ટ હેઠળ બચી જતા હોવાથી ગેરકાયદે કામોમાં ટીનેજર્સની સંડોવણી વધી હોવાની વિધાનસભામાં ચર્ચા

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ‘ટીનેજરોનો ઉપયોગ કરીને ગુના આચરતી ગૅન્ગ સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)ની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે અને જે લોકો ટીનેજરોને શસ્ત્રો, પૈસા અથવા અન્ય સહાય પૂરી પાડે છે તેમને પણ સંગઠિત ગુનામાં સહભાગી ગણવામાં આવશે.’

પ્રશ્નકાળ દરમ્યાન વિધાનસભામાં જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘જો તપાસમાં ગૅન્ગની સાઠગાંઠ સાબિત થાય તો આરોપીઓ ગુનાના સ્થળે ફિઝિકલી હાજર ન હોય તો પણ સંગઠિત ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.’ 



દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકારે એવા લોકો સામે કાનૂની કાર્યવાહી મજબૂત કરવા માટે સુધારા લાવ્યા છે જેઓ સીધા કે પરોક્ષ રીતે ટીનેજરોને ગુનો કરવા પ્રેરે છે.


તેમણે એવી પણ જાહેરાત કરી કે રાજ્ય ગુનામાં ટીનેજરોની વધતી જતી સંડોવણીનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા અને પગલાં લેવાની ભલામણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે જેમાં કેન્દ્રના હસ્તક્ષેપની જરૂર પડી શકે એવા પ્રસ્તાવોનો પણ સમાવેશ થાય છે.

શિવસેનાના વિધાનસભ્ય અર્જુન ખોતકરે કહ્યું હતું કે ગૅન્ગ દ્વારા ક્રાઇમ, ગેરકાયદેસર દારૂના વેપાર, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ગુનાઓ માટે ટીનેજરોનો ઉપયોગ થઈ રહ્યો છે જેની પાછળનું સૌથી મોટું કારણ છે કે ટીનેજર્સને જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ રક્ષણ મળે છે. સ્કૂલનાં બાળકો ચપ્પુ સાથે રાખતા થયા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટીનેજરને સંડોવતા ક્રાઇમ બાબતે સરકારે કાયદાને કડક બનાવવા માટે સુધારા રજૂ કર્યા છે.


બાળકો ને ટીનેજરના ઑનલાઇન અબ્યુઝના કેસ વધી રહ્યા હોવાની બૉમ્બે હાઈ કોર્ટે જતાવી ચિંતા

ટીનેજરને ન્યુડ કન્ટેન્ટ મોકલવા બદલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું ગેરકાયદે ન હોવાનો આપ્યો અભિપ્રાય

બાળકો અને ટીનેજરના ઑનલાઇન અબ્યુઝના કેસ વધી રહ્યા હોવાની ચિંતા બૉમ્બે હાઈ કોર્ટે વ્યક્ત કરી છે. આવા કેસને સાઇબર ક્રાઇમના સૌથી ગંભીર સ્વરૂપ તરીકે ગણાવીને એક એવા આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો જેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ટીનેજરને ન્યુડ કન્ટેન્ટ મોકલવા બદલ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે ઑનલાઇન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મની જવાબદારી છે કે તેમની સર્વિસનો દુરુપયોગ બાળકોના શોષણને પ્રોત્સાહન આપવા માટે ન થાય; આવા બનાવો બાળકોને અને ટીનેજરને શારીરિક, માનસિક અને ભાવનાત્મક નુકસાન પહોંચાડે છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ થયા બાદ યુઝરે કરેલી અરજીને ફગાવતાં કોર્ટે અભિપ્રાય આપતાં કહ્યું કે ‘મેટા દ્વારા આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી થતું તેમ જ ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાને વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવાનો, આવી પ્રવૃત્તિઓમાં સામેલ એકાઉન્ટ્સને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાનો અને જ્યારે પણ કાયદેસર રીતે જરૂર પડે ત્યારે સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ કરવાનો અધિકાર છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK