ફારાહ ખાને પતિ શિરીષ કુંદરના ફિટ બૉડી અને નવી હેરસ્ટાઇલ સાથેના લેટેસ્ટ લુક વિશે કમેન્ટ કરી
ફારાહ ખાને પતિ શિરીષ કુંદરના બદલાયેલા નવા લુક વિશે કહ્યું હતું કે હવે મારો હસબંડ મારા દીકરા જેવો લાગે છે
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને હાલમાં શેખર સુમનના ટૉક-શો ‘શેખર ટુનાઇટ’માં હાજરી આપી હતી. આ શોમાં તેણે લગ્ન પછી રોમૅન્સમાં આવતા બદલાવ વિશે તો વાત કરી જ હતી પણ સાથે-સાથે પતિ શિરીષ કુંદરના બદલાયેલા નવા લુક વિશે કહ્યું હતું કે હવે મારો હસબંડ મારા દીકરા જેવો લાગે છે.
આ વર્ષની શરૂઆતમાં શિરીષ કુંદરે સોશ્યલ મીડિયા પર ફિટ બૉડી, નવી હેરસ્ટાઇલ અને શાર્પ જૉલાઇનવાળી તસવીરો શૅર કરી હતી જે ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી. શિરીષના બદલાયેલા લુક વિશે ફારાહે મજાકમાં કહ્યું હતું કે ‘શિરીષ હવે ઘણો યુવાન અને હૅન્ડસમ લાગી રહ્યો છે. તેની અને મારા દીકરા ઝારની ઊંચાઈ પણ સરખી છે. રાત્રે જ્યારે હું સૂઈ રહી હોઉં અને બેડરૂમમાં કોઈ આવે ત્યારે મને સમજાતું નથી કે મારો દીકરો આવ્યો છે કે હસબંડ આવ્યો છે. મારો હસબંડ હવે મારા દીકરા જેવો લાગે છે, પણ જો કોઈ મને આવીને ભેટી પડે તો મને તરત જ ખબર પડી જાય કે એ મારો દીકરો છે.’
ADVERTISEMENT
શોમાં લગ્ન પછી રોમૅન્સ વિશે વાત કરતાં ફારાહે કહ્યું હતું કે ‘જ્યારે આપણે કોઈને ડેટ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે તે વ્યક્તિને મેળવવાની ખૂબ ઇચ્છા હોય છે પણ જ્યારે તે મળી જાય છે ત્યારે તેની કિંમત ઓછી લાગવા લાગે છે. આ પછી તેની કિંમત બીજી બાબતોમાં સમજાય છે. આજે હું શિરીષને એક સારા પિતા અને સમગ્ર પરિવારની જવાબદારી સંભાળતી વ્યક્તિ તરીકે વધુ મહત્ત્વ આપું છું. તેના વગર હું રહી શકું એમ નથી. શિરીષ વગર અમારું ઘર ચાલી જ ન શકે.’
