Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બે વાર નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલા આ ગુજરાતી ફિલ્મમેકર લઈ આવ્યા છે પોતાની સૌપ્રથમ ફીચર ફિલ્મ

બે વાર નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલા આ ગુજરાતી ફિલ્મમેકર લઈ આવ્યા છે પોતાની સૌપ્રથમ ફીચર ફિલ્મ

Published : 02 November, 2026 03:34 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તાજેતરમાં જ રિલીઝ થયેલી લિટલ થૉમસ હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી છે કૌશલ ઓઝાએ

કૌશલ ઓઝા અને ‘લિટલ થૉમસ’

કૌશલ ઓઝા અને ‘લિટલ થૉમસ’


બૉલીવુડમાં આજકાલ હાઈ-ઍક્શન, ડાર્ક કન્ટેન્ટ, ક્રાઇમ થ્રિલર્સ અને મોટા બજેટની ફિલ્મોનો દબદબો છે. આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મમેકર કૌશલ ઓઝા ૧૯૯૦ના દાયકાની પારિવારિક સંબંધોની હળવી કૉમેડી લઈને આવ્યા છે. તેમની સૌપ્રથમ ફીચર ફિલ્મ ‘લિટલ થૉમસ’ તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. બે વખત નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલા કૌશલ ઓઝાએ ‘મિડ-ડે’ સાથેની મુલાકાતમાં પોતાની ફિલ્મી સફર અને અંગત જીવનના કેટલાક કિસ્સા શૅર કર્યા.

લિટલ થૉમસનું મોટું મિશન



આ ફિલ્મ આપણને ૧૯૯૦ના દાયકાના ગોવામાં લઈ જાય છે એમ જણાવીને ‘લિટલ થૉમસ’ની સ્ટોરી વિશે કૌશલભાઈ કહે છે, ‘વાર્તાનો હીરો ૭ વર્ષનો થૉમસ (રિદાન પારેખ) છે જેને એક નાનો ભાઈ જોઈએ છે. તેના મનમાં પ્રશ્ન જાગે છે કે બાળક ક્યાંથી આવે છે? તેના પેરન્ટ્સ ડેસમન્ડ (ગુલશન દેવૈયા) અને જેસી મિરાન્ડા (રસિકા દુગ્ગલ) ગોળ-ગોળ જવાબો આપે છે. થૉમસની જિજ્ઞાસા વાર્તાને આગળ વધારે છે. તે શિક્ષક, ચર્ચના પાદરી અને પુખ્ત વયના લોકો પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરે છે. થૉમસનો એક પાડોશી તેને મજાકમાં કહે છે કે નાનો ભાઈ જોઈતો હોય તો તારાં મમ્મી-પપ્પાએ એકબીજાને કિસ કરવી પડશે. અસલી સ્ટોરી અહીંથી શરૂ થાય છે. ડેસમન્ડ અને જેસીનાં લગ્નને ૧૧ વર્ષ થઈ ગયાં છે. આર્થિક સંઘર્ષો તથા રોજબરોજના ઝઘડાઓને કારણે તેઓ એકબીજાથી દૂર થઈ ગયાં છે. પોતાના મિશનને પૂરું કરવા ‘લિટલ થૉમસ’ અને તેના બે મિત્રો જે જુગાડ કરે છે એનાથી કૉમિક સિચુએશન ઊભી થાય છે.’


હું ઓન્લી ચાઇલ્ડ છું, નાનપણમાં મને પણ નાનો ભાઈ કે બહેન જોઈતાં હતાં એટલે ફિલ્મ આ જ સેન્ટ્રલ થીમ પર બની છે એમ જણાવીને કૌશલભાઈ કહે છે, ‘વાસ્તવમાં કોઈ પણ ફિલ્મમાં આર્ટિસ્ટનો પર્સનલ વૉઇસ હોય છે. ઍક્શન હોય કે હૉરર, એમાં પણ હ્યુમન ટચ હશે જ. ‘ઍનિમલ’ જેવી મૂવીમાં પણ આમ તો પિતા-પુત્રની જ વાત છે. હ્યુમન ઇમોશન્સ વિના કોઈ સ્ટોરી ન બને. આજના મોંઘવારીના સમયમાં મિડલ ક્લાસ માટે મની-મૅનેજમેન્ટ કરવું અઘરું છે અને એટલે જ તેઓ બીજા ચાઇલ્ડ વિશે વિચારી નથી શકતા. ફિલ્મમાં વણાયેલી આ વાસ્તવિકતા સાથે દર્શકો જોડાઈ રહ્યા છે. થૉમસના રોલ માટે અમે ૮૦૦ બાળકોનાં ઑડિશન લીધાં હતાં. એક-એક બાળક સાથે અડધો કલાક બેસીને તેમની પર્સનાલિટીને સમજતા એ મેમરેબલ જર્ની રહી. આ પ્રોસેસ એક વર્ષ લાંબી ચાલી. ૮૦૦માંથી શૉર્ટ લિસ્ટ કરીને ૧૦૦, પછી ૧૮ અને છેલ્લે ૩ બાળકોની પસંદગી કરી. સિલેક્ટેડ બાળકો સાથે ૩ મહિના રિહર્સલ કર્યાં. ફિલ્મમાં થૉમસની સાથે તેના બે ફ્રેન્ડ્સનો રોલ પણ મહત્ત્વનો છે.’

સિનેમૅટિક સફર


બોરીવલીમાં રહેતા કૌશલ ઓઝાની સિનેમૅટિક સફર રસપ્રદ રહી છે. તેમણે વિલે પાર્લેની નરસી મોનજી (NM) કૉલેજમાંથી કૉમર્સનો અભ્યાસ કર્યો છે. કૉલેજના ડ્રામા-ગ્રુપમાં તેઓ સક્રિય હતા. ગ્રૅજ્યુએશન પછી તેમણે પુણેસ્થિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)થી ફિલ્મ-ડિરેક્શન અને સ્ક્રીન-રાઇટિંગનો કોર્સ કર્યો. તેઓ કહે છે, ‘ફૅમિલીમાં કોઈ આ ફીલ્ડમાં નથી એટલે એક્સપોઝર નહોતું; પરંતુ લખવાનો, ફરવાનો, નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો અને ફોટોગ્રાફીનો જબરદસ્ત શોખ છે. કૉલેજમાં ડ્રામા કરતી વખતે મને સમજાયું કે વાર્તાને ભાવનાત્મક રીતે લોકો સુધી પહોંચાડવા ફિલ્મ પાવરફુલ માધ્યમ છે. FTIIના પાંચ વર્ષના કોર્સ દરમ્યાન મને ઘણું શીખવા મળ્યું. ૨૦૧૦માં પ્રથમ શૉર્ટ ફિલ્મ ‘વૈષ્ણવ જન તો’ માટે બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૨માં આવેલી શૉર્ટ ફિલ્મ ‘આફ્ટરગ્લો’એ પણ નૅશનલ અવૉર્ડ ઉપરાંત સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કોઑપરેશન (SAARC) ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ મેળવ્યો હતો. અનેક આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં આ ફિલ્મ પસંદગી પામી હતી.’

કૌશલભાઈએ સ્ટોરી અને કન્ટેન્ટ સાથે કૉમ્પ્રોમાઇઝ નથી કર્યું. ૨૦૨૨માં તેમણે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને રસિકા દુગ્ગલ જેવા કલાકારો સાથે ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’ નામની શૉર્ટ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. એને અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. એની સ્ટોરી પણ તેમની પર્સનલ મેમરીઝ સાથે જોડાયેલી હતી. એ વિશે વાત કરતાં કૌશલભાઈ કહે છે, ‘બોરીવલીમાં અમારો ૧૦૦ વર્ષ જૂનો બંગલો હતો. રીડેવલપમેન્ટ માટે એને તોડી પાડવામાં આવ્યો ત્યારે ઘણું દુ:ખ થયું. ‘ધ મિનિએચરિસ્ટ ઑફ જૂનાગઢ’ની સ્ટોરી આ યાદો સાથે સંકળાયેલી છે. અર્થપૂર્ણ ફિલ્મોનું સર્જન કરવાનો ઉદેશ મને જૂની યાદોમાં લઈ જાય છે. જોકે ફિલ્મ બનાવતી વખતે વધુ ઍનૅલિસિસ નથી કરતો, પણ ક્યાંક ને ક્યાંક એ પર્સનલ લાઇફ સાથે કનેક્ટ થઈ જાય છે.’

કૌશલ ઓઝા ‘લુમિનોસો પિક્ચર્સ’ નામનું પ્રોડક્શન-હાઉસ પણ ચલાવે છે. તેમની પહેલી ફીચર ફિલ્મ ‘લિટલ થૉમસ’નું પ્રીમિયર મેલબર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સમાપન ફિલ્મ હતી જ્યાં એને શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ સહિત ૩ અવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. કૌશલભાઈને ટ્રાવેલિંગનો, રીડિંગનો અને ફોટોગ્રાફીનો જબરદસ્ત શોખ છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ અવારનવાર પ્રકૃતિ અને આર્કિટેક્ચરની સુંદર તસવીરો શૅર કરતા હોય છે. હાલમાં તેઓ નવી સ્ક્રિપ્ટની શોધમાં છે. જ્યાં સુધી વાર્તા સ્પર્શે નહીં ત્યાં સુધી નવી ફિલ્મ બનાવવાની ઉતાવળ કરતા નથી એ ખાસિયત તેમની ફિલ્મોમાં દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 03:34 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK