‘ગજની’માં સંજય સિંઘાનિયાનું પાત્ર પહેલાં સલમાન ખાનને ઑફર થયું હતું, પરંતુ પ્રદીપ રાવતના સૂચન બાદ એ.આર. મુરુગાદોસે આમિર ખાનને પસંદ કર્યો અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.
સલમાન ખાન
આમિર ખાનની સુપરહિટ ફિલ્મોમાં ‘ગજની’નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મમાં આમિરે તેની ઇમેજ કરતાં અલગ જ રોલ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મમાં આમિરે ભજવેલું સંજય સિંઘાનિયાનું પાત્ર સૌથી પહેલાં સલમાન ખાનને ઑફર કરવામાં આવ્યું હતું. જોકે કેટલીક પરિસ્થિતિઓને કારણે તે આ ફિલ્મનો ભાગ બની શક્યો નહીં અને પછી આમિરે આ રોલ ભજવીને ઇતિહાસ રચ્યો હતો.
હકીકતમાં એ.આર. મુરુગાદોસના ડિરેક્શનમાં બનેલી ‘ગજની’ તામિલ ફિલ્મની હિન્દી રીમેક હતી. તામિલ સંસ્કરણમાં પ્રદીપ રાવતે જ ખલનાયકની ભૂમિકા ભજવી હતી અને હિન્દી સંસ્કરણમાં પણ તેમને જ લેવામાં આવ્યા હતા. જ્યારે એ.આર. મુરુગાદોસે હિન્દીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે પ્રદીપ રાવત સાથે ચર્ચા કરી હતી અને ફિલ્મના લીડ રોલ માટે બૉલીવુડમાંથી કોને પસંદ કરવો જોઈએ એ વિશે પણ પ્રદીપ રાવતનો અભિપ્રાય માગ્યો હતો. પ્રદીપ રાવતે આ સમયે આમિરનું નામ જણાવ્યું હતું. સાઉથના ડિરેક્ટર એ.આર. મુરુગાદોસને હિન્દી સારી રીતે આવડતું નહોતું અને સલમાનને બહુ જલદી ગુસ્સો આવી જતો હોવાના કારણે પ્રદીપ રાવતને લાગ્યું હતું કે સલમાન સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ બની શકે છે અને એ કારણે જ તેમણે આમિરના નામનું સૂચન કર્યું હતું.
