Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેમા માલિનીના ચાર માળના અદ્વિતીયના ખૂણેખૂણામાં સચવાયેલી છે ધર્મેન્દ્રની યાદો

હેમા માલિનીના ચાર માળના અદ્વિતીયના ખૂણેખૂણામાં સચવાયેલી છે ધર્મેન્દ્રની યાદો

Published : 27 June, 2026 06:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશા દેઓલે જુહુમાં આવેલા મમ્મીના બંગલાની અંદરની ઝલક દર્શાવી, હેમા માલિનીનું જુહુ ખાતે આવેલું ઘર શાહરુખ ખાન, ધર્મેન્દ્ર, સલમાન ખાન અને દિલીપ કુમાર જેવા દિગ્ગજોનાં ઘરો જેટલું જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

હેમા માલિનીના ચાર માળના અદ્વિતીયના ખૂણેખૂણામાં સચવાયેલી છે ધર્મેન્દ્રની યાદો

હેમા માલિનીના ચાર માળના અદ્વિતીયના ખૂણેખૂણામાં સચવાયેલી છે ધર્મેન્દ્રની યાદો


હેમા માલિનીનું જુહુ ખાતે આવેલું ઘર શાહરુખ ખાન, ધર્મેન્દ્ર, સલમાન ખાન અને દિલીપ કુમાર જેવા દિગ્ગજોનાં ઘરો જેટલું જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં એશા દેઓલે પોતાની મમ્મીના ૫૪ વર્ષ જૂના આ ઘરની ખાસ ઝલક ફૅન્સને બતાવી હતી. આજે આ ઘર ‘અદ્વિતીય’ નામથી ઓળખાય છે. જોકે એશાએ ખુલાસો કર્યો હતો કે ઘણાં વર્ષો સુધી આ ઘરનું કોઈ નામ નહોતું. લોકો એને માત્ર ‘હેમા માલિનીનું ઘર’ અથવા ‘ડ્રીમ ગર્લનું ઘર’ તરીકે ઓળખતા હતા. બાદમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે આ ઘર માટે ‘અદ્વિતીય’ નામ સૂચવ્યું, જેનો અર્થ ‘અનોખું’ થાય છે.
જીવંત છે ધર્મેન્દ્રની યાદો
ગયા વર્ષે ૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા ધર્મેન્દ્રની અનેક યાદો આજે પણ હેમા માલિનીના ઘરમાં સચવાયેલી છે. ઘરના ઇન્ટીરિયરમાં આછા ન્યુટ્રલ શેડ્સ, માર્બલ ફ્લોરિંગ, કાચની દીવાલો, ભવ્ય ઝુમ્મર, વિશાળ બારીઓ અને મોટો ડાઇનિંગ એરિયા હોવા છતાં ઘરના દરેક ખૂણે ધર્મેન્દ્રની હાજરીનો અહેસાસ થાય છે. એક સોફા પર ધર્મેન્દ્રની તસવીરવાળું કુશન રાખવામાં આવ્યું છે, જ્યારે બીજા સોફા પર હેમા માલિનીની તસવીરવાળું કુશન છે કારણ કે આ તેમની બેસવા માટેની ખાસ જગ્યાઓ છે. આ ઉપરાંત ઘરની દીવાલો પરની તસવીરોમાં હેમા માલિની અને ધર્મેન્દ્રની દાયકાઓ જૂની યાદો પણ જોવા મળે છે.
સ્પેશ્યલ ડાન્સ હૉલ
હેમા માલિનીના ઘરનો સૌથી ખાસ ભાગ એનો ડાન્સ હૉલ એટલે કે રિહર્સલ હૉલ છે. અહીં હેમા માલિની પોતાના શાસ્ત્રીય નૃત્યની નિયમિત પ્રૅક્ટિસ કરે છે. અહીં ત્રીસ કરતાં વધારે લોકો એકસાથે ડાન્સ-પ્રૅક્ટિસ કરી શકે છે અને એ સરળતાથી થાય એ માટે એનું ફ્લોરિંગ વુડનનું રાખવામાં આવ્યું છે. એશાએ જણાવ્યું હતું કે ‘નૃત્ય હંમેશાં મમ્મીના જીવનના દરેક ઉતાર-ચડાવમાં તેની સાથે રહ્યું છે. આ ડાન્સ હૉલ તેમના શાસ્ત્રીય નૃત્ય પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે જેના કારણે આ ઓરડાનું મહત્ત્વ વધુ વધી જાય છે. આ ઓરડામાં આદરના ભાગરૂપે કોઈ પણ પ્રકારના ફુટવેઅર પહેરીને પ્રવેશવાની મંજૂરી નથી.’
તસવીરોની યાદગીરી
વ્લૉગમાં એશાએ ઘરના એક ખાસ ઓરડાની ઝલક પણ બતાવી હતી જે હેમા માલિની અને ધર્મેન્દ્રની યાદોથી ભરેલો છે. અહીં ચાહકો દ્વારા બનાવાયેલા સ્કેચ, પરિવારની તસવીરો અને દાયકાઓ જૂની અનેક યાદો સાચવી રાખવામાં આવી છે. એક તસવીર તરફ ઇશારો કરતાં એશાએ જણાવ્યું હતું કે તેનો બૉલીવુડમાં પ્રવેશ હકીકતમાં ફિલ્મ ‘રઝિયા સુલતાન’થી થયો હતો, કારણ કે શૂટિંગ વખતે હેમા પ્રેગ્નન્ટ હતી. આ ઉપરાંત એશાએ ઘરમાં રાખવામાં આવેલાં પુસ્તકો અને અવૉર્ડ્સની પણ ઝલક બતાવી હતી.
ઘરમાં બે-બે કિચન 
હેમા માલિનીના ઘરમાં બે કિચન છે. બે કિચન પાછળનું કારણ જણાવતાં એશાએ કહ્યું હતું કે ‘મારી મમ્મી સ્ટ્રિક્ટ રીતે શાકાહારી ડાયટનું પાલન કરે છે.
તેથી માત્ર કિચન જ નહીં, રસોઇયા પણ અલગ-અલગ રાખવામાં આવ્યા છે. જ્યારે પરિવારના સભ્યો, મહેમાનો અથવા સગાં-સંબંધીઓ માટે નૉનવેજ ભોજન બનાવવાનું હોય ત્યારે એ અલગ કિચનમાં તૈયાર કરવામાં આવે છે. એ માટે અલગ રસોઇયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’

હેમા માલિનીના બંગલાનો રસપ્રદ ઇતિહાસ
હેમા માલિનીના જુહુમાં આવેલા બંગલા ‘અદ્વિતીય’નો ઇતિહાસ પણ રસપ્રદ છે. હેમાએ અગાઉ જણાવ્યું હતું કે ૧૯૭૨માં જ્યારે તેઓ ફિલ્મ ‘સીતા ઔર ગીતા’નું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે આ મિલકત ખરીદી હતી. અગાઉ આ ઘર એક ગુજરાતી પરિવારનું હતું. ૨૦૦૫ના મુંબઈના પૂર બાદ આ ૫૪ વર્ષ જૂના મૂળ બંગલાનું આધુનિક રીતે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ બંગલો ગ્રાઉન્ડ ફ્લોર સહિત ૪ માળનો છે અને એમાં હેમા માલિની અને બન્ને દીકરીઓ એશા અને આહના દેઓલ માટે અલાયદો ફ્લૉર છે.



જીવનમાં પ્રેમ અને રોમૅન્સની ખોટ અનુભવાય છે


એશા દેઓલે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં કહ્યું કે તે ફરી એક વાર પ્રેમને આવકારવા માટે તૈયાર છે

હેમા માલિનીની દીકરી એશા દેઓલ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાનીનાં લગ્ન ૨૦૨૪માં તૂટી ગયાં હતાં. આ દંપતીએ અલગ થવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે બન્ને આજે પણ પોતાની બે દીકરીઓનો ઉછેર સાથે મળીને કરી રહ્યાં છે. હવે એશાએ પોતાના અંગત જીવન વિશે વાત કરતાં સ્વીકાર્યું છે કે તેને પોતાના જીવનમાં પ્રેમની ખોટ અનુભવાય છે, પણ તે હજુય આશાવાદી છે અને ફરી એક વાર પ્રેમને આવકારવા માટે તૈયાર છે.
એશાએ પોતાને રોમૅન્ટિક સ્વભાવની ગણાવીને કહ્યું હતું કે ‘મને લાગે છે કે પ્રેમ અને રોમૅન્સ કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્ત્વની બાબતો છે અને હાલમાં મને એની ખોટ અનુભવાય છે. મને રોમૅન્ટિક સ્વભાવ ગમે છે. હું સંપૂર્ણપણે રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મો પસંદ કરનારી વ્યક્તિ છું. મને રોમૅન્ટિક ગીતો અને પ્રેમકથાઓ ખૂબ ગમે છે. બ્રેકઅપ અને લગ્નજીવન સમાપ્ત થયા બાદ પછી પણ પ્રેમ પ્રત્યેનો મારો અભિગમ બદલાયો નથી. બ્રેકઅપ તો જીવનનો એક ભાગ છે. મારા પણ પહેલાં બૉયફ્રેન્ડ હતા જેમની સાથે મારું બ્રેકઅપ થયું હતું. આ બધું જીવનમાં બનતું રહે છે, પણ એનાથી પ્રેમ વિશેની મારી માન્યતા બદલાઈ નથી. અમે બધાં હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચેના સ્વાર્થ વગરના પ્રેમને જોઈને મોટાં થયા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK