ટીઝરમાં તે લાવણી ડાન્સર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના પાત્રમાં ખૂબ જ અસરકારક લાગી રહી છે. ‘ઈઠા’નું ટીઝર પ્રસિદ્ધ લાવણી કલાકારના જીવનની સૌથી યાદગાર ઘટનાઓમાંથી એકને રજૂ કરે છે.
કૉકટેલ 2માં છવાઈ ગયું ઈઠાનું ટ્રેલર
શુક્રવારે રિલીઝ થયેલી શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિક મંદાનાની ‘કૉકટેલ 2’ સાથે શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’નું ટ્રેલર પણ દેખાડવામાં આવ્યું હતું. આ ફિલ્મ મહારાષ્ટ્રની પ્રસિદ્ધ તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે. ફિલ્મમાં ૧૯૪૦થી ૧૯૯૦ના દાયકાની કહાની દર્શાવવામાં આવશે જેમાં તેની લોકપ્રિયતા સુધીની સફર અને સંઘર્ષને રજૂ કરવામાં આવશે. હવે ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે.
‘ઈઠા’ના આ ટ્રેલરમાં દર્શકોને શ્રદ્ધા કપૂરનો એકદમ નવો અને ચોંકાવનારો અંદાજ જોવા મળ્યો. ટીઝરમાં તે લાવણી ડાન્સર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના પાત્રમાં ખૂબ જ અસરકારક લાગી રહી છે. ‘ઈઠા’નું ટીઝર પ્રસિદ્ધ લાવણી કલાકારના જીવનની સૌથી યાદગાર ઘટનાઓમાંથી એકને રજૂ કરે છે. શ્રદ્ધા પ્રથમ જ દૃશ્યથી આ પાત્રમાં સંપૂર્ણપણે ઢળી જતી જોવા મળે છે અને આ મહાન કલાકારની મજબૂતી તથા હિંમતને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. ટીઝરમાં વિઠાબાઈને ભારે ગર્ભાવસ્થા હોવા છતાં પૂરા ઉત્સાહ અને સમર્પણ સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરતાં દર્શાવવામાં આવી છે. પર્ફોર્મન્સ દરમ્યાન તેને અહેસાસ થાય છે કે હવે બાળકનો જન્મ થવાનો છે. શો અધવચ્ચે છોડવાનો ઇનકાર કરીને બૅકસ્ટેજ જાય છે અને બાળકને જન્મ આપે છે. અસાધારણ હિંમતનું ઉદાહરણ પૂરું પાડતાં વિઠાબાઈ પથ્થરથી ગર્ભનાળ કાપે છે અને પોતાનો પર્ફોર્મન્સ પૂર્ણ કરવા માટે ફરી સ્ટેજ પર પાછી ફરે છે. તેની હિંમત અને સમર્પણ દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે જેના કારણે તેને લોકોની પ્રશંસા અને તાળીઓ મળે છે.
ADVERTISEMENT
‘ઈઠા’માં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અયુબ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઑગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે.
