દૃશ્યમ : ધ કન્ક્લુઝનમાં તેના પાત્ર વિશે જયદીપ અહલાવતે કરી સ્પષ્ટતા
અક્ષય ખન્ના
ગઈ કાલે ગોવામાં અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં જયદીપ અહલાવત અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ)ના નવા પાત્રમાં જોવા મળ્યો છે. આ ટ્રેલર જોયા પછી સોશ્યલ મીડિયામાં ઘણા લોકો તેઓ ‘દૃશ્યમ 2’માં ઇન્સ્પેક્ટર જનરલનો રોલ કરનાર અક્ષય ખન્નાને મિસ કરી રહ્યા હોવાની કમેન્ટ કરી રહ્યા છે.
આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં જયદીપને જ્યારે અક્ષય ખન્નાને રિપ્લેસ કરવાના દબાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયદીપે કહ્યુંુ હતું કે ‘મેં ક્યારેય મારા પાત્રને અક્ષય સરના રિપ્લેસમેન્ટ તરીકે જોયું જ નથી. જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે મને એવું લાગ્યું જ નહીં કે હું અક્ષય સરની જગ્યાએ આવી રહ્યો છું. એક નવું પાત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે એટલે દબાણ લેવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી સરખામણીની વાત છે, એક અભિનેતા તરીકે હું એના વિશે વિચારતો નથી. ફિલ્મમાં મારી સફર અલગ છે, પાત્રની એન્ટ્રી નવી છે. મીરા તથા સાલગાવકર પરિવાર સાથે એક નવો સંબંધ બનવાનો છે એટલે આ પાત્રને ખૂબ જ વ્યક્તિગત રીતે રજૂ કરવામાં આવશે. મને નથી લાગતું કે મારા પર કોઈ દબાણ હતું.’
એક તરફ દૃશ્યમ : ધ કન્ક્લુઝનનું ટ્રેલર આવ્યું અને બીજી તરફ અક્ષય ખન્ના જાહેરમાં દેખાયો
ADVERTISEMENT
અક્ષય ખન્નાને ફોટોગ્રાફર્સ ભાગ્યે જ કૅમેરામાં કેદ કરી શકે છે, કારણ કે તે જાહેરમાં જોવા નથી મળતો. જોકે ગઈ કાલે અક્ષય લાંબા સમય બાદ જાહેરમાં ડિરેક્ટર રજત રવૈલ સાથે એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. ખાસ સંયોગની વાત એ છે કે ગઈ કાલે અક્ષયે છેલ્લી ઘડીએ છોડી દીધેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’નું ટ્રેલર પણ રિલીઝ થયું હતું.
‘દૃશ્યમ 2’માં જોવા મળેલો અક્ષય ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’માં પણ જોવા મળવાનો હતો, પણ પછી સર્જનાત્મક મતભેદોને કારણે તેણે આ ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. આ પછી ફિલ્મમાં પોલીસ-અધિકારીની ભૂમિકા ભજવવા માટે જયદીપ અહલાવતને લેવામાં આવ્યો હતો. જોકે જયદીપે ફિલ્મમાં અક્ષયનું સ્થાન નથી લીધું અને તે નવા જ પાત્રમાં જોવા મળશે.
