મામલાના અંતે અદાલતે કહ્યું કે સોગંદનામાને રેકૉર્ડ પર લઈ હવે અરજીનો નિકાલ કરવામાં આવશે.
રણવીર સિંહ અને રિષભ શેટ્ટી
રણવીર સિંહે ગોવામાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દરમ્યાન સ્ટેજ પર ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવવામાં આવેલાં ચાવુંડી (ચામુંડા) દેવીની મજાક ઉડાવી હતી જેના કારણે વિવાદ થયો હતો. આ વિવાદ સાથે જોડાયેલા મામલામાં રણવીર સિંહે ગઈ કાલે કોર્ટમાં માફી માગી છે. રણવીરે કર્ણાટક હાઈ કોર્ટમાં સુધારેલું સોગંદનામું દાખલ કરીને બિનશરતી માફી માગી હતી. અદાલતે આ સોગંદનામાને રેકૉર્ડ પર લેતાં સંકેત આપ્યો કે હવે આ મામલાનો નિકાલ કરવામાં આવશે. આ મામલામાં રણવીરે ચાર અઠવાડિયાંમાં દેવીના મંદિરની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લેવાની ખાતરી પણ આપી છે. કર્ણાટક હાઈ કોર્ટમાં જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે રણવીર સિંહની એ અરજી પર સુનાવણી કરી જેમાં તેની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ-ફરિયાદ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. રણવીર સિંહ તરફથી વકીલે અદાલતને જણાવ્યું કે અભિનેતાએ બિનશરતી માફી સાથે નવું સોગંદનામું દાખલ કર્યું છે. રણવીર સિંહ તરફથી વધુમાં જણાવાયું કે તે આ ધાર્મિક ભાવનાઓનું સંપૂર્ણ સન્માન કરે છે અને આ જ કારણસર તે મામલા વિશે કોઈ દલીલ કરી રહ્યો નથી. મામલાના અંતે અદાલતે કહ્યું કે સોગંદનામાને રેકૉર્ડ પર લઈ હવે અરજીનો નિકાલ કરવામાં આવશે.
