કરીના કપૂર કહે છે કે મારાં માતા-પિતા વૃદ્ધાવસ્થા એકબીજાની સાથે ગાળવા ઇચ્છે છે
રણધીર કપૂર અને બબીતા કપૂર
બૉલીવુડમાં ઘણાં દંપતીઓ લગ્ન કર્યાં હોવા છતાં અલગ-અલગ રહે છે. તેમના છૂટાછેડા નથી થયા, પરંતુ તેઓ વર્ષોથી અલગ રહે છે. આમાં એક નામ કરિશ્મા અને કરીના કપૂરનાં માતા-પિતા રણધીર કપૂર અને બબીતા કપૂરનું પણ છે. રણધીર કપૂર અને બબીતા કપૂર ૧૯૭૦માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. લગ્નનાં ૧૭ વર્ષ બાદ ૧૯૮૮માં તેઓ અલગ થઈ ગયાં અને અલગ-અલગ રહેવા લાગ્યાં હતાં, પરંતુ હવે બન્ને પોતાની વૃદ્ધાવસ્થા સાથે વિતાવવા માગે છે. તેઓ લગ્ન કર્યા હોવા છતાં દાયકાઓથી અલગ-અલગ રહેતાં હતાં, પરંતુ હવે બન્નેએ સાથે રહેવાનો નિર્ણય લીધો છે.
કરીના કપૂરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં માતા-પિતાના પૅચ-અપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘દરેકનાં માતા-પિતા વિશ્વનાં સૌથી સારાં માતા-પિતા હોય છે અને મારાં માતા-પિતા વિશ્વના સૌથી સારાં માતા-પિતા છે. હવે તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાની વૃદ્ધાવસ્થા એકબીજાનો હાથ પકડીને વિતાવવા માગે છે, કારણ કે અહીંથી તેમની યાત્રા શરૂ થઈ હતી અને અહીં તેઓ સાથે છે. આ કંઈક એવું છે જે કરિશ્મા અને મારા માટે ફુલ સર્કલ બની ગયું છે, જે સંપૂર્ણપણે મૅજિકલ છે. મને લાગે છે કે તેઓ બન્ને અદ્ભુત રહ્યાં છે, કારણ કે મારા પિતાએ હંમેશાં મારા જીવનમાં મારે જે પણ કરવું હોય એનું સમર્થન કર્યું છે. તેઓ સ્પષ્ટપણે વિચારે છે કે તેઓ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે અમે કપૂર-વારસાને આગળ વધાર્યો છે. રણબીર ફિલ્મોમાં આવ્યો એ પહેલાં ફક્ત હું અને કરિશ્મા જ હતાં.’

