કેરલા કૉન્ગ્રેસના આવા આક્ષેપ પછી ઍક્ટ્રેસે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને સ્પષ્ટતા કરી
પ્રીતિ ઝિન્ટા
હાલમાં પ્રીતિ ઝિન્ટા વિશે સમાચાર આવ્યા હતા કે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક દ્વારા તેનું ૧૮ કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે. બૅન્કને થોડા સમય પહેલાં અનિયમિતતાને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગ્રાહકોને તેમના પૈસા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે ચર્ચા હતી કે બૅન્કે નિયમોનું પાલન કર્યા વિના કેટલાક લોકોને મોટી લોન આપી હતી અને તેમની લોન પણ માફ કરી દીધી હતી. આ યાદીમાં પ્રીતિ ઝિન્ટાનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે.
આ સમાચાર પછી કેરલા કૉન્ગ્રેસે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં લખ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાએ પોતાનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ ભારતીય જનતા પાર્ટી (BJP)ને આપી દીધાં અને બદલામાં તેનું ૧૮ કરોડ રૂપિયાનું દેવું માફ કરાવ્યું. હવે આ મામલે પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને સ્પષ્ટતા કરી છે અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા તેમ જ પાર્ટીની ઝાટકણી કાઢતાં કહ્યું કે તેમને આવો આરોપ મૂકતાં શરમ આવવી જોઈએ.
ADVERTISEMENT
આ પોસ્ટમાં પ્રીતિએ કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યા અને લખ્યું કે ‘હું મારાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ જાતે ચલાવું છું અને તમને આવા ફેક સમાચારને શૅર કરવામાં શરમ આવવી જોઈએ. કોઈએ મારું દેવું માફ કર્યું નથી કે કોઈ લોન માફ કરી નથી. એ વાત સાચી છે કે લોન લેવામાં આવી હતી, પણ એ સંપૂર્ણપણે ચૂકવી દેવામાં આવી હતી. આ ઘટનાને ૧૦ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આશા છે કે એ આ સ્પષ્ટતા કરશે અને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય એ માટે મદદ કરશે.’

