વિવાદાસ્પદ દૃશ્યો વિશે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના પ્રતિભાવ વિશે કિઆરા અડવાણીએ આપી પ્રતિક્રિયા
ફિલ્મ ‘ટૉક્સિક’માં યશ સાથેના કિઆરાના ઇન્ટિમેટ સીનને લઈને તેને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી
બૉલીવુડમાં લગ્ન પછી હિરોઇનની ઑનસ્ક્રીન ભૂમિકા અને તેની પસંદગીઓને લઈને અવારનવાર સવાલો ઉઠાવવામાં આવે છે. કોઈ ઍક્ટ્રેસ મમ્મી બન્યા પછી પડદા પર બોલ્ડ અથવા ઇન્ટિમેટ સીન કરે ત્યારે તેને સોશ્યલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડે છે. આવો જ અનુભવ કિઆરા અડવાણીને પણ થયો હતો. ફિલ્મ ‘ટૉક્સિક’માં યશ સાથેના તેના ઇન્ટિમેટ સીનને લઈને તેને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. હવે કિઆરાએ આ સમગ્ર વિવાદ વિશે મૌન તોડીને આ મામલે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રતિક્રિયા વિશે વાત કરી છે.
‘ટૉક્સિક’માં યશ સાથેના તેના ઇન્ટિમેટ સીન વિશે વાત કરતાં કિઆરાએ કહ્યું હતું કે ‘સિદ્ધાર્થને આ વાતની કોઈ પરવા નહોતી. તેણે ક્યારેય આ વિશે વાત પણ કરી નથી. અમે આ મુદ્દે ક્યારેય ચર્ચા પણ કરી નથી. આ વાતની તેના પર કોઈ અસર થઈ નહોતી અને તે અપસેટ પણ નહોતો થયો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને દાયકાઓથી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવું ઘણાં વર્ષોથી અને દાયકાઓથી થતું આવ્યું છે. ઐશ્વર્યા સહિત અનેક શાનદાર અભિનેત્રીઓએ પણ આનો સામનો કર્યો છે. એ સમયે મને કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર લાગી નહોતી.’
