આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરેલી ‘લાપતા લેડીઝ’નો સ્પેશ્યલ શો કોર્ટ બિલ્ડિંગ કૉમ્પ્લેક્સના ઑડિટોરિયમમાં યોજાયો હતો.
લાપતા લેડીઝનો સ્પેશ્યલ શો
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની કોર્ટમાં ગઈ કાલે લંચ-ટાઇમ બાદ ફિલ્મસ્ટાર આમિર ખાન ઉપસ્થિત રહ્યો હતો અને એ સમયે આગળની હરોળમાં તેને જોઈને ચંદ્રચૂડે કહ્યું હતું કે મારે કોર્ટમાં ધક્કામુક્કી જોઈતી નથી પણ આજે આમિર ખાન કોર્ટમાં ઉપસ્થિત છે, તેની સાથે કિરણ રાવ પણ થોડા સમયમાં જોડાશે, તેઓ આજે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગ માટે આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં ઘણા અગ્રગણ્ય મહાનુભાવ ઉપસ્થિત રહેતા હોય છે. તેઓ કોર્ટમાં કાર્યવાહી કેવી રીતે ચાલે છે એની જાણકારી લેતા હોય છે, પણ પહેલી વાર બૉલીવુડમાંથી કોઈ ઉપસ્થિત હતું. આ સમયે ચંદ્રચૂડે આમિર ખાનનું સ્વાગત કર્યું હતું. ઍટર્ની-જનરલ આર. વેન્કટરમણીએ એમ કહ્યું હતું કે આજે કોર્ટ સ્ટાર-સ્ટડેડ છે. એ સમયે સિનિયર ઍડ્વોકેટ હુઝેફા અહમદીએ કહ્યું હતું કે ઍટર્ની જનરલ તમારી (ચીફ જસ્ટિસની) વાત કરે છે. સુપ્રીમ કોર્ટના જજો, તેમના પરિવાર અને રજિસ્ટ્રી વિભાગના સ્ટાફ માટે આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરેલી ‘લાપતા લેડીઝ’નો સ્પેશ્યલ શો કોર્ટ બિલ્ડિંગ કૉમ્પ્લેક્સના ઑડિટોરિયમમાં યોજાયો હતો.