Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાસિની મુળેએ ૬૦ વર્ષની વયે લીધો હતો પહેલી વખત લગ્ન કરવાનો નિર્ણય

સુહાસિની મુળેએ ૬૦ વર્ષની વયે લીધો હતો પહેલી વખત લગ્ન કરવાનો નિર્ણય

Published : 19 June, 2026 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફેસબુકથી સંપર્કમાં આવેલા વૈજ્ઞાનિક સાથે પહેલી મુલાકાતના માત્ર ૭૫ દિવસની અંદર મૅરેજ કરી લીધાં હતાં

સુહાસિની મુળે, અતુલ ગુર્ટુ

સુહાસિની મુળે, અતુલ ગુર્ટુ


બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે મોટી ઉંમરે લગ્ન કર્યાં છે, પણ સિનિયર સિટિઝન થઈ ગયાં પછી પ્રથમ લગ્ન કરનારી ઍક્ટ્રેસ એક જ હશે. ‘લગાન’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં કામ કરનારાં સુહાસિની મુળે હાલમાં ૭૫ વર્ષનાં છે અને ૨૦૧૧માં તેમણે ૬૦ વર્ષની વયે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સુહાસિનીને પોતાનો જીવનસાથી ફેસબુક પર મળ્યો અને એટલું જ નહીં, તેમણે પહેલી મુલાકાતના માત્ર ૭૫ દિવસની અંદર જ લગ્ન પણ કરી લીધાં હતાં.

૭૫ વર્ષનાં સુહાસિનીએ હાલમાં ‘સુહાના સફર’ નામના પૉડકાસ્ટમાં મરાઠી ઍક્ટ્રેસ સુલેખા તળવલકર સાથેની વાતચીત દરમ્યાન પોતાનાં લગ્ન વિશે ખુલાસો કર્યો હતો. આ મુદ્દે વાતચીત કરતાં સુહાસિનીએ કહ્યું હતું કે ‘મારાં પ્રથમ લગ્ન ૬૦ વર્ષની ઉંમરે થયાં હતાં. એ પહેલાં મને યોગ્ય જીવનસાથી મળ્યો નહોતો. મારા પતિ અતુલ ગુર્ટુ જાણીતા વૈજ્ઞાનિક છે. તેઓ જ્યારે વિજ્ઞાન વિશે વાત કરે છે ત્યારે મને બહુ કંઈ સમજાતું નથી પણ તેઓ ખૂબ સારા માણસ છે. મેં એ સમયે એક સહ-અભિનેતાની સલાહ બાદ જ નવું-નવું ફેસબુક જૉઇન કર્યું હતું, કારણ કે મને તેણે કહ્યું હતું કે આ રીતે મને કામની નવી તકો મળી શકે. એક દિવસ ફેસબુક બ્રાઉઝ કરતી વખતે મેં અતુલની પ્રોફાઇલ જોઈ અને મને નવાઈ લાગી કે શું ભૌતિકશાસ્ત્રીઓ પણ ફેસબુક પર હોય છે? એ સમયે અતુલ લાર્જ હેડ્રોન કોલાઇડર (LHC)ના કન્સેપ્ટ પર કામ કરી રહ્યા હતા. વિજ્ઞાનમાં રસ હોવાથી મેં અતુલને મેસેજ કરીને પૂછ્યું, LHC શું છે? અતુલના જવાબથી અમારા બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે બન્નેના જીવનની દિશા બદલાઈ ગઈ. ઈ-મેઇલ દ્વારા થયેલી ચર્ચા દરમ્યાન અતુલે મને જણાવ્યું કે તેઓ જીવનસાથીની શોધમાં છે.’



લગ્નનો પ્રસ્તાવ
સુહાસિનીએ પોતાને મળેલા લગ્નના પ્રસ્તાવ વિશે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે ‘અતુલે ક્યારેય સીધો પ્રસ્તાવ મૂક્યો નહોતો, પણ સંકેત જરૂર આપ્યો હતો. જ્યારે મને સમજાયું કે તેઓ કોઈની શોધમાં છે ત્યારે હું મનમાં હસી પડી. મેં વિચાર્યું કે જ્યારે ૬૦ વર્ષમાં હું મારા માટે યોગ્ય વ્યક્તિ શોધી શકી નથી તો હવે અચાનક કેવી રીતે મળી જશે? આ સમયે હું મૂંઝવણમાં હોવાથી એક મિત્રની સલાહ લીધી. મારી મિત્રએ કહ્યું કે આ ઉંમરે વિકલ્પો ઓછા થતા જાય છે, દરવાજો ખોલતાં પહેલાં જ એને બંધ ન કરી દે, પ્રયાસ કરવામાં કંઈ ખોટું નથી. જ્યારે અતુલે મારો ફોન-નંબર માગ્યો ત્યારે મેં કહ્યું હતું કે સારી છોકરીઓ અજાણ્યા લોકોને પોતાનો ફોન-નંબર આપતી નથી, કારણ કે મને ઇન્ટરનેટ પરની નકલી પ્રોફાઇલ્સને લઈને પણ ડર હતો. આખરે અતુલે મને એક ઈ-મેઇલ મોકલ્યો જે આજે પણ મારા મનમાં અંકિત છે. આ ઈ-મેઇલમાં લખ્યું હતું કે જો તું પોતાના જીવનમાં બદલાવ લાવવા માગે છે તો એના માટે પ્રયત્ન કરવો પડશે.’


પહેલી મુલાકાત અને લગ્ન
પતિ અતુલ સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરતાં સુહાસિનીએ કહ્યું હતું કે ‘અમે બન્ને પ્રથમ વખત જુલાઈમાં સંપર્કમાં આવ્યાં હતાં. અતુલ વહેલી મુલાકાત ઇચ્છતા હતા પણ સમયના અભાવે અમારી પહેલી મુલાકાત દિવાળીના બીજા દિવસે થઈ. જોકે એ દિવસે પણ હું જાણીજોઈને થોડી મોડી પહોંચી હતી. અતુલને મળતાં પહેલાં મેં સ્પષ્ટતા માટે કેટલીક બાબતોની યાદી બનાવી હતી. હું એવો જીવનસાથી ઇચ્છતી હતી જે અત્યંત ધાર્મિક ન હોય, અન્ય લોકો પ્રત્યે પૂર્વગ્રહ ન રાખતો હોય અને અલગ જીવનશૈલી ધરાવતા લોકો પ્રત્યે નફરતભર્યો અભિગમ ન રાખતો હોય. અમે નવેમ્બરના અંતમાં મળ્યાં અને લાંબા સમય સુધી વાતો કરી. આ પછી ૨૦૧૧ની ૧૬ જાન્યુઆરીએ અમારાં લગ્ન થઈ ગયાં. એક વાર અમે નિર્ણય લઈ લીધો પછી રાહ જોવાનો કોઈ અર્થ નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK