બૉલીવુડ ઍક્ટર ટાઇગર શ્રોફ પર રવિવારે જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ બાદ ગાયક મિકા સિંહે શહેરની સુરક્ષા-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે એક વિડિયો શૅર કરીને ટાઇગરની સલામતી અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.
મિકા સિંહ
બૉલીવુડ ઍક્ટર ટાઇગર શ્રોફ પર રવિવારે જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ બાદ ગાયક મિકા સિંહે શહેરની સુરક્ષા-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે એક વિડિયો શૅર કરીને ટાઇગરની સલામતી અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. સાથે જ તેણે કહ્યું કે આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં મુંબઈ દેશ જ નહીં પણ દુનિયાનાં સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક હતું, જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
મિકા સિંહે સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘જેમ કે તમે બધા જાણો છો કે ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો છે. સદ્નસીબે તે બચી ગયો. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે તે સુરક્ષિત રહે અને તંદુરસ્ત રહે. હું તમારી સાથે એક નાનકડી વાત શૅર કરવા માગું છું. હું ૨૦૦૫માં મુંબઈ આવ્યો હતો. એ સમયે હું આખા દિલ્હી અને પંજાબમાં જ નહીં, દુનિયાભરમાં જઈને એક જ વાત કહેતો હતો કે દુનિયામાં સૌથી સુરક્ષિત શહેર કોઈ હોય તો એ મુંબઈ છે. અહીં લોકો સવારે ૬ વાગ્યા સુધી કામ કરી શકે છે અને કોઈ પણ સુરક્ષા-વ્યવસ્થા વિના મુક્તપણે ફરી શકે છે, કારણ કે મુંબઈ ખૂબ સારું શહેર છે. અહીંના લોકો પણ ખૂબ સારા છે અને આ શહેર સૌથી સુરક્ષિત છે. મને લાગે છે કે કદાચ હવે આ માત્ર એક ઉદાહરણ બનીને રહી ગયું છે. ટાઇગર શ્રોફ સાથે જે થયું છે એ પણ એવા સમયે થયું છે જ્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે, ગરબા અને દાંડિયા રમાઈ રહ્યા છે. આવા સમયે આટલી મોટી ઘટના બની છે. તેથી હું હાથ જોડીને સરકારને વિનંતી કરવા માગું છું કે કૃપા કરીને આ મુદ્દે ગંભીરતાથી પગલાં લો. આજે ટાઇગર સાથે થયું છે, કાલે કોઈની સાથે પણ આવું બની શકે છે.’
