બે જણની ધરપકડ, એક સગીરની અટકાયત, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
હાથમાં તલવાર લઈને, ગરબાસ્થળે પહોંચીને ગરબા બંધ કરાવવામાં આવ્યા.
કલ્યાણમાં ગરબાના એક કાર્યક્રમમાં તલવારો લહેરાવીને લોકોમાં ભય ફેલાવવા બદલ સોમવારે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ ઘટના મધરાત પછી વરપ ગામમાં બની હતી. થાણે ગ્રામ્ય પોલીસના અધિકારીએ કહ્યું હતું કે ‘૮ લોકો ૩ મોટરસાઇકલ પર કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા. તેમની પાસે તલવારો હતી અને તેઓ જ્યાં યુગલો અને બાળકો ગરબા રમી રહ્યાં હતાં ત્યાં ઘૂસી ગયા હતા. આ લોકોએ તલવાર હાથમાં લઈને લોકોને ધમકાવતાં ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. લોકો ગભરાઈને ગરબા છોડીને નીકળી ગયા હતા.’
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આરોપી મહેશ જાયસવાલ તથા આયુષ પાંડેની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ટીનેજરને પણ અટકાયતમાં લીધો છે. ગૅન્ગના બાકીના પાંચ સભ્યોને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેમની સામે હત્યાના પ્રયાસ અને અન્ય ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતા તથા મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓનો ઇરાદો શું હતો એ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
