આ વર્ષે ગલગોટાનું ઉત્પાદન વધુ હોવાથી એના ભાવ કન્ટ્રોલમાં હતા; પણ ગુલાબ, જુઈ, મોગરો ઊંચા ભાવે વેચાઈ રહ્યાં હતાં.
દાદરની ફૂલ-માર્કેટમાં ખરીદી માટે મુંબઈગરાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તસવીર: આશિષ રાજે
નવરાત્રિ દરમ્યાન પણ ફૂલોની માગણી તો હતી જ, પણ આજના દશેરાના શુભ મુરતે ગઈ કાલે દાદરની ફૂલમાર્કેટમાં લોકોએ ફૂલ લેવા ધસારો કર્યો હતો અને એની અસર એના ભાવ પર પડી હતી. દશેરાએ ગલગોટા અને આસોપલાવનાં પાનનાં તોરણ મોટા ભાગની દુકાનો અને ઘર પર લગાવતા હોય છે એટલે ગલગોટાના ભાવ વધી જતા હોય છે. જોકે આ વર્ષે ગલગોટાનું ઉત્પાદન વધુ હોવાથી એના ભાવ કન્ટ્રોલમાં હતા; પણ ગુલાબ, જુઈ, મોગરો ઊંચા ભાવે વેચાઈ રહ્યાં હતાં.
ગલગોટો ગઈ કાલે ૧૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો. ગયા વર્ષે ફાલ ઓછો ઊતર્યો હોવાથી એક કિલો ગલગોટો ૨૦૦થી ૩૦૦ રૂપિયે અને ક્યાંક તો એના કરતાં પણ વધુ ભાવે વેચાયો હતો. નવરાત્રિમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી વરસાદ આવતો હતો એને કારણે ગલગોટો ભીંજાઈ જતાં એના ફાલ પર એની અસર થતી હતી. જોકે આ વર્ષે વરસાદ ન હોવાથી પ્રોડક્શન વધુ થયું છે અને એટલે એના ભાવ અંકુશમાં રહ્યા છે. ગુલાબનાં ફૂલના ૧૮૦થી ૨૫૦ રૂપિયા તો મોગરો અને જૂઈના એક કિલો માટે ૧૨૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. ચંપાનું એક ફૂલ ૧૦ રૂપિયે વેચાતું હતું. જાસૂદનું એક ફૂલ પાંચ રૂપિયે વેચાતું હતું.
