રઝા મુરાદે કહ્યું કે દિવંગત ઍક્ટર આ રકમ જરૂરિયાતમંદ ખેડૂતો અને ઓછા પૈસામાં કામ કરતા મરાઠી રંગમંચના કલાકારોને દાન કરી દેતા હતા
રઝા મુરાદે સોશ્યલ મીડિયામાં નાના પાટેકર સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે
નાના પાટેકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે અને તેમને યાદ કરીને ઇમોશનલ થઈ રહ્યા છે. આ સંજોગોમાં રઝા મુરાદે પણ નાના પાટેકરને યાદ કર્યા છે અને તેમની દરિયાદિલીનો એક કિસ્સો સંભળાવ્યો છે. રઝા મુરાદે કહ્યું હતું કે નાના પાટેકર અત્યંત ઉદાર અને બીજાને મદદ કરનારા માણસ હતા અને તેઓ જરૂરિયાતમંદ ખેડૂતો અને ઓછા પૈસામાં કામ કરતા મરાઠી રંગમંચના કલાકારોની મદદ કરતા હતા.
રઝા મુરાદે સોશ્યલ મીડિયામાં નાના પાટેકર સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે એક લાંબી નોંધ પણ લખી છે. એમાં નાનાને યાદ કરતાં રઝા મુરાદે લખ્યું હતું કે ‘હું દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસરે નાના પાટેકરના માહિમ સ્થિત ઘરે જતો હતો. જોકે આ વર્ષે હું તેમને મળી શક્યો નહોતો, કારણ કે તેમણે ગણેશ ચતુર્થી પુણે સ્થિત પોતાના ફાર્મહાઉસમાં ઊજવી હતી. પડદા પર તેઓ જેટલા શાનદાર અને દમદાર અભિનેતા હતા, વાસ્તવિક જીવનમાં પણ તેમનું વ્યક્તિત્વ એટલું જ વિશાળ હતું. તેઓ ખરેખર શેરદિલ માણસ હતા. પોતાની કમાણીનો ૯૦ ટકા હિસ્સો તેઓ જરૂરિયાતમંદ ખેડૂતો અને ઓછા પૈસામાં કામ કરતા મરાઠી રંગમંચના કલાકારોને દાન કરી દેતા હતા. તેમના અકાળ નિધન સાથે જ એક મહાન યુગનો અંત આવ્યો છે. નાના પાટેકર જેવો બીજો કોઈ હોઈ શકે નહીં. તેઓ હૃદયથી એક સાદા ગામડાના માણસ હતા. આટલી મોટી સફળતા મળ્યા પછી પણ તેમના પર આ વાતનો જરાય પ્રભાવ પડ્યો નહોતો. તેઓ હંમેશાં બીજાની પ્રગતિ અને તેમની ભલાઈ માટે જીવતા હતા. ભગવાન તેમના પવિત્ર આત્માને હંમેશાં શાંતિ આપે.’
