‘જાને તૂ યા જાને ના’ ફિલ્મ માટે ઇમરાન પહેલી પસંદગી નહોતો
નીલ નીતિન મુકેશ
આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’ રિલીઝ થઈ ત્યારે યંગસ્ટર્સને બહુ ગમી હતી અને હિટ થઈ હતી. આ ફિલ્મને કારણે ઇમરાન દરેકનો ફેવરિટ બની ગયો હતો. જોકે હાલમાં ખબર પડી કે એ ફિલ્મ માટે ઇમરાન પહેલી પસંદગી નહોતો. ઇમરાન પહેલાં આ ફિલ્મની ઑફર નીલ નીતિન મુકેશને થઈ હતી. હાલમાં નીલ નીતિન મુકેશે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘આ ફિલ્મનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારે પ્રોડ્યુસરે મને એકસાથે ‘જૉની ગદ્દાર’ અને ‘જાને તૂ યા જાને ના’ની ઑફર આપી હતી. તેમણે મને આ બન્નેમાંથી એકની પસંદગી કરવાનું કહ્યું. મને વ્યક્તિગત રીતે ‘જાને તૂ યા જાને ના’ ખૂબ ગમી હતી, કારણ કે એ એક લવ-સ્ટોરી હતી અને એ સમયે આવી ફિલ્મોનો ટ્રેન્ડ હતો. જોકે હું ચૉકલેટી બૉયની ઇમેજમાં કેદ ન થવા માગતો હોવાથી મેં ‘જોની ગદ્દાર’ની પસંદગી કરી હતી. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને ‘જાને તૂ યા જાને ના’ની વાર્તા વાંચવાનો મોકો મળ્યો હતો. હવે મને એ ફિલ્મ ન કરવાનો અફસોસ થાય છે. સાચી વાત તો એ છે કે ‘જાને તૂ યા જાને ના’ ઇમરાનના નસીબમાં હતી.’

