શ્વાનોએ એક થઈને શિકાર કરવા આવેલા દીપડાને ભગાવી દીધો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હરિદ્વારમાં રસ્તામાં સૂતા એક શ્વાન પર દીપડાએ કરેલા હુમલામાં અન્ય શ્વાનોએ દર્શાવેલી એકતાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. શ્વાનોએ એક થઈને શિકાર કરવા આવેલા દીપડાને ભગાવી દીધો હતો. આ ઘટનાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે કે એક દીપડો રસ્તા પર શાંતિથી સૂઈ રહેલા શ્વાન પર હુમલો કરે છે, જેને કારણે શ્વાન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે અને એની સામે લડી શકતો નથી. જોકે દૂર ઊભેલા શ્વાન સાથીને મુશ્કેલીમાં જુએ છે. તેઓ તરત જ દોડીને આવે છે અને એને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવે છે. આશરે ૩૨ સેકન્ડ સુધી ચાલેલી જીવન અને મૃત્યુની આ લડાઈ અંતે શ્વાનો જીતી જાય છે અને દીપડો નાસી જાય છે. આ વિડિયો જોઈને લોકો શ્વાનોની ટોળીની એકતાનાં વખાણ કરતાં થાકતા નથી.

