રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત નિતેશ તિવારીની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘રામાયણ’નો પ્રથમ ભાગ ૬ નવેમ્બરે દિવાળી પહેલાં વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. બીજા ભાગને આગામી દિવાળીએ રજૂ કરવાની યોજના છે.
દિવાળીના બે દિવસ પહેલાં ૬ નવેમ્બરે રિલીઝ થશે રામાયણ
નિતેશ તિવારીની ‘રામાયણ’ની રિલીઝ માટેની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળીના બે દિવસ પહેલાં ૬ નવેમ્બરે વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થશે. બુધવારે સોની પિક્ચર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું અંગ્રેજી ટ્રેલર જાહેર કર્યું હતું અને એની સાથે જ જાહેરાત કરવામાં આવી કે દર્શકો ફિલ્મનો પ્રથમ ભાગ ૬ નવેમ્બરે મોટા પડદા પર જોઈ શકશે.
‘રામાયણ’ બે ભાગમાં રજૂ થવાની છે. પહેલો ભાગ આ દિવાળીએ ૬ નવેમ્બરે રિલીઝ થશે, જ્યારે બીજા ભાગને આવતા વર્ષે દિવાળીની આસપાસ રિલીઝ કરવાની યોજના છે. જોકે આ બીજા ભાગની રિલીઝ-ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
રામાયણની રિલીઝ-ડેટ છે રાહાનો બર્થ-ડે
ADVERTISEMENT
‘રામાયણ’ દિવાળીના બે દિવસ પહેલાં ૬ નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ દિવસે ફિલ્મમાં ભગવાન રામનો રોલ કરનાર રણબીર કપૂરની પુત્રી રાહાનો બર્થ-ડે છે અને એટલે જ રણબીર માટે આ દિવસ એકદમ ખાસ છે. રણબીરે અગાઉ જણાવ્યું હતું કે તે પોતાની દીકરી રાહા સાથે મોટા પડદા પર આ ફિલ્મ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અને તેના પરિવાર માટે આ એક યાદગાર ક્ષણ બનશે.
સૅન ડીએગો કૉમિક કૉન 2026 દરમ્યાન ચાહકો સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું હતું કે તે પોતાની દીકરીને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને રાહાની મોટા પડદા પરની આ પહેલી ફિલ્મ હશે. આ પહેલાં પણ રણબીરે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારા જીવનમાં એક સુંદર સંયોગ બન્યો. રાહાએ મને વધુ સારો માણસ બનાવ્યો અને ‘રામાયણ’એ પણ મને રાહા માટે વધુ સારો માણસ બનવાની પ્રેરણા આપી.’
