સંજય ખાને સોશ્યલ મીડિયા પર લખ્યું: એક અભિનેતા, એક સ્ટાર અને પોતાની કલાનો નિરંતર વિદ્યાર્થી
નોંધ સાથે તેમણે હૃતિક અને આખી ફૅમિલી સાથેના ઘણા ફોટો પણ શૅર કર્યા છે.
હૃતિક રોશનની ગઈ કાલે બાવનમી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસે તેની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાનના પિતા સંજય ખાને તેના માટે એક ખાસ નોંધ લખી. આ નોંધ સાથે તેમણે હૃતિક અને આખી ફૅમિલી સાથેના ઘણા ફોટો પણ શૅર કર્યા છે.
સંજય ખાને સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું, ‘હું પહેલી વાર હૃતિક રોશનને ઝાયેદ દ્વારા મળ્યો હતો. એ સમયે તે ટીનેજર હતો. એ સમયે મને સવારની રાઇડ માટે એક નવી સાઇકલની જરૂર હતી. મેં ઝાયેદ સાથે આનો કૅઝ્યુઅલી ઉલ્લેખ કર્યો. તેણે હસતાં-હસતાં કહ્યું કે આના વિશે સાચી સલાહ માટે હૃતિક જ યોગ્ય વ્યક્તિ છે. હૃતિકે પોતાનું વચન પાળ્યું અને એક સવારે મને મળવા આવ્યો. તેણે મને લેટેસ્ટ મૉડલ્સ વિશે વિગતવાર જણાવ્યું. તેની સમજાવટ એકદમ સ્પષ્ટ, સચોટ અને શાંત, સાચા આત્મવિશ્વાસ સાથેની હતી જેનાથી હું ખૂબ પ્રભાવિત થયો. મને જરા પણ અંદાજ નહોતો કે હૃતિક એક દિવસ મારી દીકરી સુઝૅન સાથે લગ્ન કરશે અને અમારા પરિવારનો ભાગ બની જશે.’
ADVERTISEMENT
હૃતિકની ઇમેજ વિશે વાત કરતાં સંજય ખાને કહ્યું, ‘તે ફિલ્મજગત વિશે મારો અભિપ્રાય જાણવા માગતો હતો. હું લાંબા સમયથી મારા મિત્રોને કહેતો આવ્યો છું કે તેને સફળતા સમર્પણ અને ક્રાફ્ટના જોરે મળી છે. આજે હૃતિક બૉલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે; એક અભિનેતા, એક સ્ટાર અને પોતાની કલાનો નિરંતર વિદ્યાર્થી. દીકરી સુઝૅન પાસેથી જ મને મારી ખુશીઓ મળી; મારા દોહિત્રો રેહાન અને રિદાન. બે સુંદર અદ્ભુત દીકરાઓ છે જેમને તેણે પોતાની પૂરી ઈમાનદારી સાથે ઉછેર્યા. તેમનું અલગ થવું ગરિમાપૂર્ણ હતું, ક્યારેય કડવાશભર્યું નહોતું. હું મિત્રોને મજાકમાં કહું છું કે તેણે હૃતિકને ‘હુકમના બે એક્કા’ ભેટમાં આપ્યા છે. ૧૦ જાન્યુઆરીએ જ્યારે લાખો લોકો ઉજવણી કરી રહ્યા છે, હું હૃતિકને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપું છું જે સ્વાસ્થ્ય, શાંતિ, ખુશી અને સમૃદ્ધિથી ભરપૂર હોય. જન્મદિવસ મુબારક, હૃતિક. હું તને પ્રેમ કરું છું, દીકરા.’


