આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવીનતમ કૃતિઓ જુઓ, જેમાં `હનુમાન અંશ`, અજય દેવગનની `દ્રશ્યમ ૩: ધ કન્ક્લુઝન` અને રાજકીય ડ્રામા `ઢાઈ ચાલ`નો સમાવેશ થાય છે. આ ફિલ્મો Netflix, SonyLIV અને JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે.
હનુમાન અંશ, ઢાઈ ચાલ અને દૃશ્યમ 3 : ધ કન્ક્લુઝન
હનુમાન અંશ
નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક યાત્રા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ આખરે OTT પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શોભિનવ સત્ય નીમ કરોલી બાબાની મુખ્ય ભૂમિકામાં છે. વાર્તાની શરૂઆત એક નાના છોકરાથી થાય છે જે પોતાની માતાને ગુમાવ્યા પછી ફરી તેમની સાથે મુલાકાત કરવાની આશા સાથે ભગવાનની શોધમાં આખા ભારતની યાત્રાએ નીકળી પડે છે. ભક્તિ, ચમત્કારો અને નિઃસ્વાર્થ સેવાના માર્ગે આગળ વધતાં તે સમય જતાં નીમ કરોલી બાબા તરીકે જાણીતા અને આદરણીય સંત બને છે. ડૉ. વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક સફળતા મેળવી હતી. હવે ફિલ્મમેકરો આ ફિલ્મને એકસાથે બે OTT પ્લૅટફૉર્મ પર રજૂ કરી રહ્યા છે. ફિલ્મનું હિન્દી વર્ઝન ૨૭ નવેમ્બરે સોની લિવ પર અને ૨૯ નવેમ્બરે તામિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી અને કન્નડા ભાષામાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
દૃશ્યમ 3 : ધ કન્ક્લુઝન
અજય દેવગનની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘દૃશ્યમ ૩ : ધ કન્ક્લુઝન’ની વાર્તા અગાઉના ભાગમાં વિજય સાલગાવકરે પોલીસને ચકમો આપ્યો હતો એના થોડા મહિના પછીથી શરૂ થાય છે. વિજય (અજય દેવગન)નું શાંત જીવન ત્યારે ફરી મુશ્કેલીમાં મુકાય છે જ્યારે સૅમનાં મમ્મી-પપ્પા મીરા (તબુ) અને મહેશ દેશમુખ (રજત કપૂર) તેમના દીકરાની હત્યાનો કેસ ફરી ખોલાવે છે. આ વખતે તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચના કડક ઑફિસર રાજવીર સિંહ તોમર (જયદીપ અહલાવત)ના હાથમાં છે. તેની પાસે ફૉરેન્સિક તપાસમાંથી મળેલા નવા પુરાવા છે. પોલીસની સતત નજર અને સરકારી વકીલ ઇન્દ્રજિત શેટ્ટી (પ્રકાશ રાજ) આ વખતે વિજય તથા તેના પરિવારને સજા અપાવવા મક્કમ છે. આ ઘટનાક્રમની આસપાસ બનાવેલી આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
ઢાઈ ચાલ
‘ઢાઈ ચાલ’ જાણીતા લેખક નવીન ચૌધરીની બે નવલકથાઓ પર આધારિત નવી વેબ-સિરીઝ છે. આ હિન્દી પૉલિટિકલ ડ્રામા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની રાજનીતિની વાર્તા રજૂ કરે છે. કૉલેજ અને યુનિવર્સિટીના કૅમ્પસમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અને હક માટે લડતા જોવા મળે છે. તેમને લાગે છે કે તેઓ પોતાના અધિકારો માટે રાજનીતિ કરી રહ્યા છે, પણ વાસ્તવમાં તેમની પાસે આ રાજનીતિ કરાવવામાં આવી રહી હોય છે. પડદા પાછળ રાજ્ય અને રાષ્ટ્રીય સત્તાનાં કેન્દ્રોમાં ચાલતું ક્રૂર તંત્ર આ સમગ્ર રમતનું સંચાલન કરે છે. વાર્તામાં વિદ્યાર્થી નેતા મયૂર ભારદ્વાજ (ગગન અરોરા) પોતાના હરીફ આદિલ ઝફર ખાન સામે ટક્કર લે છે. કૅમ્પસની આ ચૂંટણી બહારના રાજકારણીઓના ઇશારે લડાઈ રહી છે. ‘ઢાઈ ચાલ’ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
