Hera Pheri 3: પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ પડતી મૂકી છે ત્યારે શૂટિંગ પર ખર્ચાયેલા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણા લોકો તેને અનપ્રોફેશનલ બિહેવિયર ગણાવે છે.
પરેશ રાવલની ફાઇલ તસવીર
Hera Pheri 3: તાજેતરમાં જ અભિનેતા પરેશ રાવલે જણાવ્યું હતું કે તેઓ `હેરા ફેરી ૩`નો ભાગ નથી. તેઓએ પોતે આ ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી હોવાની વાત બહાર આવતાં એવું કહેવામાં આવતું હતું કે તેઓએ મતભેદોને કારણે આ પગલું ભર્યું છે. જોકે પરેશ રાવલ દ્વારા તે અંગેનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું.
હવે એવા સમાચાર સામે આવ્યા છે કે એક્ટર અક્ષયકુમાર દ્વારા પરેશ રાવલને લીગલ નોટિસ મોકલી છે. વાત કૈંક એમ છે કે એકબાજુ `હેરા ફેરી 3` (Hera Pheri 3)નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. બાબુ ભૈયાના પાછા આવવાની સહુ ચાહકોમાં અતિશય આતુરતા પણ જોવા મળી રહી હતી. પરંતુ અચાનકથી જ પરેશ રાવલે તેમાંથી પોતાને અલગ કરી નાખતા ચાહકો નિરાશ તો થયા જ હતા સાથે વિવિધ અટકળો લગાડતા હતા.
ADVERTISEMENT
હવે ફિલ્મના નિર્માતા એટલે કે અક્ષય કુમારે પરેશ રાવલ પાસેથી 25 કરોડ રૂપિયાના દંડની માંગણી કરતી લીગલ નોટિસ મોકલી છે.
ફિલ્મ `હેરા ફેરી 3` (Hera Pheri 3)માં અભિનેતાની સાથે જ અક્ષય કુમાર પ્રોડ્યુસર પણ છે જ. તેણે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસેથી ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર પોતાના પ્રોડક્શન હાઉસ કેપ ઑફ ગુડ ફિલ્મ્સ વતી લીગલ કાર્યવાહી કરી રહ્યો છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે પરેશ રાવલે આ ફિલ્મ માટેના કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યા હતા. આ સાથે જ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. પરેશ રાવલે આ ફિલ્મ માટે એડવાન્સ ફી પણ લઈ લીધી હતી. આવી સ્થિતિમાં જ્યારે અભિનેતાએ ફિલ્મ અધવચ્ચે જ પડતી મૂકી છે ત્યારે શૂટિંગ પર ખર્ચાયેલા કરોડો રૂપિયા પર પાણી ફરી વળ્યું છે.
તો કોઈક સૂત્રો એવું પણ કહે છે કે જો પરેશ રાવલને આ ફિલ્મ કરવી જ નહોતી, તો પછી તેઓએ શરૂઆતમાં જ ના પાડી દેવી જોઈતી હતી. પણ આમ તેઓએ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા, પૈસા પણ લીધા વળી શૂટિંગમાં ભાગ લીધો અને આમ ફિલ્મને અધવચ્ચે છોડી જય રહ્યા છે તે બિલકુલ અનપ્રોફેશનલ બિહેવિયર છે.
આ ફિલ્મના મુખ્ય કલાકારો - અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે આ વર્ષે એપ્રિલમાં ડિરેક્ટર પ્રિયદર્શન હેઠળ આ ફિલ્મનું (Hera Pheri 3) શૂટિંગ શરૂ કર્યું હતું. પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસેથી કાયદેસર રીતે ફિલ્મના રાઇટ્સ લઈને અક્ષય કુમાર પણ પ્રોડ્યુસર બન્યો છે. જોકે અચાનકથી પરેશ રાવલે આ ફિલ્મ છોડ્યા બાદ વધતી અટકળો પર એવું કહ્યું હતું કે ક્રિએટિવ મતભેદો અથવા પૈસાને કારણે તેઓએ આ નિર્ણય નથી લીધો. વળી સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે પરેશ રાવલને આ ફિલ્મ માટે તેમની નોર્મલ ફી કરતાં ત્રણ ગણી વધુ ચૂકવણી કરવામાં આવી રહી હતી.
Hera Pheri 3: વળી અક્ષય કુમારની 35 વર્ષની કારકિર્દીને પણ ઉલેચીએ તો આવું પ્રથમવાર જ બન્યું હોવાનું જણાઈ રહ્યું છે કે તેઓએ કલીગ અભિનેતા પર અવ્યાવસાયિક વર્તન માટે દાવો કર્યો હતો. જો કે અભિનેતા પરેશ રાવલે આ પહેલાં પર પોતાની મરજીથી ફિલ્મો અધવચ્ચે પડતી મૂકી જ છે. વર્ષ 2023માં `ઓહ માય ગોડ 2` માટે તેઓએ સ્ક્રિપ્ટ પસંદ નથી એમ્ કહીને આ ફિલ્મ પડતી મૂકી હતી. એવું પણ કહેવામાં આવે છે કે 2009ની શરૂઆતમાં શાહરુખ ખાનની બિલ્લુ બાર્બરમાંથી પણ તેઓ બહાર નીકળી ગયા હતા.

