મમ્મી બન્યા બાદ જીવનમાં આવેલા બદલાવ વિશે પરિણીતિ ચોપડાએ ખુલાસો કર્યો, હું પોતાને થોડો શાંત સમય આપું છું. જો તમે સવારમાં ફોનને અવગણીને એક કલાક માટે શાંત બેસો, સંગીત સાંભળો, પક્ષીઓના અવાજ સાંભળો તો એ તમને શાંતિ મેળવવામાં ખૂબ મદદ કરે છે.
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં દીકરા નીરને જન્મ આપ્યો હતો. પરિણીતિને મમ્મી બન્યાને હવે બે મહિના વીતી ગયા છે. હવે અભિનેત્રીએ મમ્મી બન્યા પછી પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગે ખુલ્લેઆમ વાત કરી છે અને જણાવ્યું છે કે હવે તે ધીમે-ધીમે સામાન્ય જીવન તરફ પાછી ફરી રહી છે.
હાલમાં પરિણીતિએ પોતાની યુટ્યુબ ચૅનલ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તેણે મમ્મી બન્યા પછીના જીવન અને પોતાને શાંત તથા સ્થિર રાખવાની રીતો વિશે વાત કરી છે. પરિણીતિનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય અને ધ્યાન હવે તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયાં છે. તેને વિશ્વાસ છે કે સકારાત્મક વિચારધારા શરીરને પણ મજબૂત રાખે છે, કારણ કે જો તમારું મન સકારાત્મક રહેશે તો તમારું શરીર પણ એ પ્રમાણે રિસ્પૉન્સ આપશે.
ADVERTISEMENT
આ વિડિયોમાં પરિણીતિએ એવી એક આદત વિશે વાત કરી છે જે આજે ઘણા લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે. તેણે કહ્યું કે સૌથી ખરાબ આદત એ છે કે લોકો ઊઠતાંની સાથે જ ફોન સ્ક્રોલ કરવાનું શરૂ કરી દે છે એટલે મગજ લગભગ સુન્ન થઈ જાય છે અને આખો દિવસ ખરાબ બની શકે છે.’
પરિણીતિ પોતાનું શેડ્યુલ જણાવતાં કહે છે, ‘હું ઊઠ્યા પછી એક કલાક સુધી ફોન હાથમાં લેતી નથી. હું પોતાને થોડો શાંત સમય આપું છું. જો તમે સવારમાં ફોનને અવગણીને એક કલાક માટે શાંત બેસો, સંગીત સાંભળો, પક્ષીઓના અવાજ સાંભળો તો એ તમને શાંતિ મેળવવામાં ખૂબ મદદ કરે છે. હું સવારમાં ઊઠતાંની સાથે જ હનુમાન ચાલીસાનો જાપ કરું છું. આ રીતે દિવસ શરૂ કરવો મને ખૂબ ગમે છે. મને લાગે છે કે જ્યારે દિવસ સારી શરૂઆત કરે છે ત્યારે બધું જ સરળ લાગે છે.


