Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાર્થ સુનીતા દેસાઈ... પૂરા નામ

પાર્થ સુનીતા દેસાઈ... પૂરા નામ

Published : 30 May, 2026 03:45 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ગુજરાતી રંગભૂમિના આ સિદ્ધહસ્ત ડિરેક્ટર પ્રોફેશનલ લાઇફ અને કામને કાયમ માટે મમ્મીને સમર્પિત કરવા પોતાના નામ પછી તેમનું નામ લખે છે. અનેક સુપરહિટ નાટકો આપી ચૂકેલા પાર્થનું નવું નાટક ધારાબેન ધુરંધર તાજેતરમાં જ ઓપન થયું છે ત્યારે...

પાર્થ સુનીતા દેસાઈ, લેટેસ્ટ નાટક ‘ધારાબેન ધુરંધર’નું પોસ્ટર, ફર્સ્ટ નાટક ‘લગોરી’નું પોસ્ટર, રિહર્સલ કરતા.

પાર્થ સુનીતા દેસાઈ, લેટેસ્ટ નાટક ‘ધારાબેન ધુરંધર’નું પોસ્ટર, ફર્સ્ટ નાટક ‘લગોરી’નું પોસ્ટર, રિહર્સલ કરતા.


ગુજરાતી રંગભૂમિના આ સિદ્ધહસ્ત ડિરેક્ટર પ્રોફેશનલ લાઇફ અને કામને કાયમ માટે મમ્મીને સમર્પિત કરવા પોતાના નામ પછી તેમનું નામ લખે છે. અનેક સુપરહિટ નાટકો આપી ચૂકેલા પાર્થનું નવું નાટક ધારાબેન ધુરંધર તાજેતરમાં જ ઓપન થયું છે ત્યારે તેમની સાથે નાટ્યજગતની વાતો કરીએ

એક સીધી-સાદી ગૃહિણીની દીકરી ઑનલાઇન ગેમ્સ અને રીલ્સમાં એટલી ગળાડૂબ રહે છે કે તેને દુનિયાનું કોઈ ભાન જ નથી. એક ગેમની ચૅલેન્જ દરમ્યાન દીકરી અકસ્માતનો ભોગ બને છે. ધારાબેન એને માત્ર અકસ્માત નથી માનતા પણ યુવાનોના મગજ પર ટેક્નૉલૉજીનો હુમલો માને છે અને જનહિતની અરજી દાખલ કરે છે. અરજીમાં ટેક્નૉલૉજીના દૂષણ‌ને પડકારવામાં આવે છે. એક તરફ ઇન્ટરનેટની દુનિયા અને બીજી તરફ માતાની લડાઈ. શું ધારાબેન તેમના મિશનમાં સફળ થશે? નવા ગુજરાતી નાટક ‘ધારાબેન ધુરંધર’માં એનો જવાબ છે. નાટકના દિગ્દર્શક પાર્થ સુનીતા દેસાઈનું આ તેરમું નાટક છે. ભૂતકાળમાં અનેક સુપરહિટ નાટકો આપી ચૂકેલા પાર્થભાઈ વાત કરે છે નાટકની અને તેમના નાટ્યપ્રેમની. 
નાટકમાં શું છે?
દીકરીના મોબાઇલના ઍડિક્શનને છોડાવવા સમાજ સામે બાંયો ચડાવતી અને કોર્ટમાં ધા નાખતી માતાના સંઘર્ષની વાર્તા છે એમ જણાવતાં પાર્થભાઈ કહે છે, ‘આજકાલ બાળકોમાં મોબાઇલ ઍડિક્શન વધી રહ્યું છે. ટેક્નૉલૉજીએ બાળમાનસ પર અને યુવાનોના મગજ પર રીતસરનો હુમલો કર્યો છે. નાટકમાં ધારાબેનની નાની દીકરીને મોબાઇલનું જબરું વળગણ છે. તે આખો દિવસ એમાં જ વ્યસ્ત રહે છે. સતત ગેમ્સ રમવાનો અને રીલ્સ જોવાનો ચસકો લાગતાં તે પરીક્ષામાં નાપાસ થાય છે. પેરન્ટ્સ તેનો મોબાઇલ છીનવી લે છે જેથી તે ભણવામાં ધ્યાન આપે. મોબાઇલ વગર તે પાગલ જેવી થઈ જાય છે. 
ડ્રગ્સ-ઍડિક્ટને જોઈતું ન મળે તો બિહેવિયર ચેન્જ થઈ જાય એમ આ છોકરીનું વર્તન પણ બદલાઈ જાય છે. ધારાબેન દીકરીને કઈ રીતે આ સિચુએશનમાંથી બહાર કાઢે છે એની વાર્તા છે. ધારાબેનની ભૂમિકામાં જાણીતાં અભિનેત્રી સેજલ શાહ છે. આ નાટકમાં મારો પણ રોલ છે.’
૩૮ વર્ષના દિગ્દર્શક પાર્થનું આ તેરમું નાટક છે. અગાઉ તેઓ લગોરી (૨૦૧૬), કુંડલીનું નવીનીકરણ (૨૦૧૯), ક્યારેક આવું પણ બને (૨૦૨૨), M.B.A. (૨૦૨૨), પપ્પા છેને! (૨૦૨૪), THE દુર્ગા જાડેજા કેસ (૨૦૨૪), દશેરા (૨૦૨૪), ટીકુ પીકુ ચીકુ (૨૦૨૪), રણમાં ઊતરી ગુજરાતણ (૨૦૨૫), હેલ્પ, અમે પરણેલા છીએ (૨૦૨૫), દાદીની ગોલમાલ (૨૦૨૫), BREAKING NEWS (૨૦૨૫) જેવાં સુપરિહટ નાટકો કરી ચૂક્યાં છે. જોકે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કરવા અને પોતાનું સ્થાન મજબૂત કરવા તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કૉલેજકાળથી શરૂ થયેલી તેમની સફરમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે.
ગુજરાતી થિયેટરમાં પદાર્પણ 
બોરીવલીમાં રહેતા પાર્થે વિલે પાર્લેની નરસી મોનજી કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સથી BComનો અભ્યાસ કર્યો છે. કૉલેજકાળમાં નાટકો જોવાનો અને એમાં ભાગ લેવાનો શોખ હતો. એ દિવસોને યાદ કરતાં તે કહે છે, ‘ગુજરાતી રંગભૂમિ માટે અપાર પ્રેમ એટલે નાટકો બહુ જોતો. કૉલેજનાં પાંચ વર્ષ 
ઇન્ટર-કૉલેજિયેટ નાટ્યસ્પર્ધામાં ઍક્ટિંગ અને ડિરેક્શન બન્ને કરતો. હું રાઇટર નથી પણ નવા કન્સેપ્ટ લઈ આવું. ગ્રૅજ્યુએશન પછી એમાં જ કારકિર્દી બનાવવાનો વિચાર કર્યો. જોકે ઘરમાં બૉમ્બધડાકો થયો હોય એવું રીઍક્શન મળ્યું. પપ્પા બિઝનેસમૅન અને ભાઈ તથા કઝિન્સમાં મોટા ભાગના ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો અભ્યાસ કરતા. નાટકો સાથે પરિવારને નાહવા-નિચોવવાનો સંબંધ નહીં. ભણીને નોકરીએ લાગી જવું જોઈએ એવું બધાનું માનવું હતું. આર્થિક સ્ટ્રગલ પણ હતી. શરૂઆતમાં ચોરીછૂપીથી રિહર્સલમાં જતો. ફિલ્મના શૂટિંગ વખતે સ્પૉટબૉય કામ કરે એવી રીતે બૅકસ્ટેજ કામ પણ કર્યું. મોટા કલાકારોનાં ચંપલ ઉપાડ્યાં, ખુરસીઓ ગોઠવી અને તેમને ડ્રેસિંગમાં મદદ કરતો. સાથે-સાથે વિષય લઈને આખી ઇન્ડસ્ટ્રીમાં ફરતો, પણ ડિરેક્શન કરવા ન મળ્યું. હોમી વાડિયાને અસિસ્ટ કરવાની તક મળી અને દરવાજા ખૂલી ગયા. સંજય ગોરડિયા, દિનકર જાની, ઉમેશ શુક્લએ પણ મદદ કરી અને માર્ગદર્શન આપ્યું. તક મળતી ગઈ એમ આગળ વધતો ગયો. ૨૦૧૬માં મારું પ્રથમ નાટક ‘લગોરી’ સુપરહિટ ગયું.’
પાર્થે કૉમેડી, થ્રિલર, સસ્પેન્સ, સામાજિક દરેક વિષય પર બનેલાં નાટકો દિગ્દર્શિત કર્યાં છે અને ઘણાં નાટકોમાં અભિનય કર્યો છે. બૉલીવુડમાં હાથ અજમાવવાનો પ્રયાસ કરી જોયો પણ તક મળી નથી. જોકે સંજય ગોરડિયા અભિનીત ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ટૂંક સમયમાં ફિલ્મ થિયેટરમાં આવશે. હાલ તે એના પર કામ કરી રહ્યા હોવાથી ફિલ્મનું નામ જાહેર નથી કર્યું.
પડકારો અને રંગભૂમિનું ભવિષ્ય
ગુજરાતી નાટકોના ચાહકોની સંખ્યા ઘટી રહી છે એવું વારંવાર સાંભળવા મળે છે અને છતાં આટલાં બધાં નાટકો બને છે. OTT પ્લૅટફૉર્મના જમાનામાં જ્યાં મોટા બજેટ અને સ્ટારકાસ્ટની ફિલ્મો નથી ચાલતી ત્યાં નાટકો માટે પ્રેક્ષકો ખેંચી લાવવા અઘરું નથી? દિગ્દર્શક તરીકે તમારી સામે કેવા પડકારો છે? ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય શું? 
આવા પ્રશ્નોના જવાબમાં પાર્થ કહે છે, ‘નાટક જોનારો વર્ગ ૪૦થી ઉપરની વયનો છે. નવી જનરેશનને ગુજરાતી ભાષાનાં નાટકો આકર્ષતાં નથી. તેમનો ઝુકાવ OTT પ્લૅટફૉર્મ તરફ વધુ છે એ સ્વીકારીએ છીએ. જોકે સંખ્યા ઘટી રહી છે એવું ન કહી શકાય. અમે એવાં દમદાર નાટકો લાવીએ છીએ જેથી નાટકના રસિયાઓની સંખ્યા જળવાઈ રહે. નવા પ્રેક્ષકોને ખેંચી લાવવાનો પ્રયાસ પણ કરી છીએ. નાટકની સરખામણી ફિલ્મ અને વેબ-સિરીઝ સાથે થાય જ નહીં. નાટકો લાઇવલી છે. નાટક રજૂ થવાના લગભગ દોઢ મહિના પહેલાંથી રિહર્સલ ચાલતાં હોય. દિગ્દર્શક તરીકે રિહર્સલમાં મારે થોડા કડક રહેવું પડે, કારણ કે પડદો ખૂલે પછી અમારા હાથમાં કંઈ ન હોય. છેલ્લા અઠવાડિયાનું રિહર્સલ હેક્ટિક હોય. ૧૫ કલાક કામ કરીએ. ક્યારેક આખી રાત રિહર્સલ ચાલે. સબ્જેક્ટ અને કન્સેપ્ટ પ્રેક્ષકોને ગમશે કે નહીં એનું ટેન્શન હોય. એમાં જો કોઈ કલાકાર ડાયલૉગ ભૂલી જાય તો મગજ છટકે. તરત શાંત પણ થઈ જવું પડે. રિહર્સલમાં પૉઝિટિવ અને એનર્જેટિક માહોલ રાખવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરું છું. નાટકની સમયમર્યાદા મુખ્ય પડકાર છે. વર્ષો પહેલાં ગુજરાતી નાટકમાં બે ઇન્ટરવલ પડતા. આજે લોકોમાં એટલી ધીરજ નથી. ૧૦ મિનિટનો એક ઇન્ટરવલ અને વધીને બે કલાકનું નાટક બસ છે. સ્ટોરીને મૉડર્ન ટ્વિસ્ટ આપીને પ્રેઝન્ટ કરવી પડે. કોઈ પણ નાટક ત્યારે જ ચાલે જ્યારે વિષય અને પ્રેઝન્ટેશનમાં દમ હોય. વાર્તામાં ટ્વિસ્ટ પ્રેક્ષકોને જકડી રાખે છે. હંમેશાં કંઈક નવું પીરસવાનો પ્રયત્ન હોય.’
વિદેશમાં ખૂબ ચાલે છે
ગુજરાતી રંગભૂમિને ઊની આંચ નહીં આવે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં પાર્થ કહે છે, ‘પ્રેક્ષકોને જાળવી રાખવા માટે અને નવી જનરેશનને નાટકો જોવામાં રસ પડે એ માટે શેમારૂ OTT પ્લૅટફૉર્મ પર તેમ જ યુટ્યુબ પર નાટકો અપલોડ કરતા રહીએ. ગુજરાતી નાટકો વિદેશમાં પણ ખૂબ ચાલે છે. અમેરિકા, UK અને ઑસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ પોતાના વતન અને ભાષાને મિસ કરતા હોય છે. તેઓ નાટકને એન્જૉય કરવાના જ છે. ‘લગોરી’, ‘દશેરા’, ‘ટીકુ પીકુ ચીકુ’, ‘THE દુર્ગા જાડેજા કેસ’, ‘BREAKING NEWS’ નાટકને વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘ધારાબેન ધુરંધર’ને પણ વિદેશમાં ભજવવાનો પ્લાન છે.’
માઁ તુઝે સલામ
પાર્થના પપ્પાનું નામ અજય છે. દિગ્દર્શનમાં આવ્યા પછી પાર્થે મિડલ નેમ તરીકે મમ્મીનું નામ રાખ્યું. પાર્થ કહે છે, ‘પેરન્ટ્સને આપણે હંમશાં ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. પપ્પાનું નામ બાય ડિફૉલ્ટ હોય જ, પણ મમ્મીએ જીવનઘડતરમાં જે રોલ ભજવ્યો છે એનું શું? મારી ઓળખમાં તેમનું સ્થાન સૌથી ઉપર છે. મારી પ્રોફેશનલ લાઇફ અને કામને કાયમ માટે મમ્મીને ડેડિકેટ કરવા નામની પાછળ સુનીતા લખું છું. બન્ને પેરન્ટ્સ હાલ નિવૃત્ત છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 03:45 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK