બ્રાહ્મણ મહાસંઘના પ્રમુખે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. પહેલાં આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ હવે એને પાછળ ઠેલવામાં આવી છે અને હવે એને પચીસ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
પ્રતીક ગાંધી અને પત્રલેખા અભિનીત ફિલ્મ ‘ફુલે’
પ્રતીક ગાંધી અને પત્રલેખા અભિનીત ફિલ્મ ‘ફુલે’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં સપડાઈ ગઈ છે. ક્રાન્તિકારી જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેના સામાજિક સુધારા કરવા માટેના પ્રયાસો પર આધારિત આ ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા ફુલેની અને પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકામાં જોવા મળશે. પહેલાં આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ હવે એને પાછળ ઠેલવામાં આવી છે અને હવે એને પચીસ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ‘ફુલે’ની રિલીઝ-તારીખ એની રિલીઝના બે દિવસ પહેલાં મુલતવી રાખવામાં આવી છે, કારણ કે એ વિવાદમાં સપડાઈ છે.
આ ફિલ્મનો પ્રોમો રિલીઝ થયો એ પછી બ્રાહ્મણ મહાસંઘના પ્રમુખે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. આ વિવાદ વધ્યા પછી ફિલ્મના દિગ્દર્શક અનંત મહાદેવન સાથે નિર્માતા અનુયા ચૌહાણ કુડેચા, રિતેશ કુડેચા અને સહ-નિર્માતા રોહન ગોડામ્બે આ બાબતે ચર્ચા કરવા માટે ભૂતપૂર્વ રાજ્યપ્રધાન છગન ભુજબળને મળ્યા અને પછી એની રિલીઝ પાછળ ઠેલવામાં આવી છે.
જોકે તારીખોની આ ફેરબદલ બાબતે ટ્રેડ-વર્તુળોનો અલગ જ મત છે. તેમના મત પ્રમાણે ૧૧ એપ્રિલે સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ‘જાટ’ રિલીઝ થવાની હોવાથી એની સાથે ટક્કર ટાળવા માટે ‘ફુલે’ની તારીખ બદલવામાં આવી હોય એવી શક્યતા છે.

