હૈદરાબાદ પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ફિલ્મના લીડ ઍક્ટર અલ્લુ અર્જુન સહિત કુલ ૨૪ લોકોને આરોપી બનાવ્યા છે
અલ્લુ અર્જુન
૨૦૨૪ની ચોથી ડિસેમ્બરના હૈદરાબાદના RTC X રોડ્સ સ્થિત સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર સ્ક્રીનિંગ દરમિયાન અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ભારે ભીડ જમા થઈ હતી. આ દરમ્યાન નાસભાગમાં ૩૫ વર્ષની રેવતીનું મોત થયું અને તેના સગીર દીકરા શ્રીતેજને ઑક્સિજનની કમીને કારણે તબીબી સમસ્યાઓ થઈ હતી. હવે આ મામલે હૈદરાબાદ પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ફિલ્મના લીડ ઍક્ટર અલ્લુ અર્જુન સહિત કુલ ૨૪ લોકોને આરોપી બનાવ્યા છે. આ ચાર્જશીટમાં આરોપીઓમાં અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટરના માલિક, થિયેટર મૅનેજમેન્ટ, અલ્લુ અર્જુનના મૅનેજર, ખાનગી સ્ટાફ અને ૮ બાઉન્સરોનાં પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યાં છે.
અલ્લુ અર્જુનની મુલાકાતની જાણ હોવા છતાં ભીડ નિયંત્રણનાં પગલાં ન લેવાયાં હોવાથી સંધ્યા થિયેટરના મૅનેજમેન્ટ અને માલિકોને ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે. અલ્લુ અર્જુન પર પણ ઊંચા જોખમવાળી ભીડ હોવા છતાં કાર્યક્રમ આગળ વધારવાનો અને સ્થાનિક પ્રશાસન સાથે યોગ્ય સંકલન ન રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે આ નાસભાગ સંધ્યા થિયેટર મૅનેજમેન્ટની ઘોર બેદરકારીના કારણે થઈ હતી. અલ્લુ અર્જુનને જોવા માટે મોટી ભીડ એકત્રિત થવાની જાણ હોવા છતાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પોલીસ તપાસમાં આ દુર્ઘટનાને સુરક્ષા નિયમોના ઉલ્લંઘન અને ઘોર બેદરકારીનું પરિણામ ગણાવવામાં આવી છે.


