આર. માધવને અક્ષયની માનસિકતા વિશે કહ્યું કે તેના માટે સફળતા અને નિષ્ફળતા બન્ને એકસમાન છે
આર. માધવન
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ છે ત્યારે આ ફિલ્મમાં સૌથી વધારે ધ્યાન અક્ષય ખન્નાની ઍક્ટિંગે ખેંચ્યું છે. આ ફિલ્મની સફળતા વચ્ચે એવી ચર્ચા પણ સામે આવી રહી હતી કે અક્ષય ખન્નાને મળતી સ્પૉટલાઇટને કારણે આર. માધવન પોતાને સાઇડલાઇન થયેલો અનુભવે છે. હવે આ ચર્ચા પર આર. માધવને પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે અક્ષયને મળેલી સફળતા માટે ખૂબ ખુશ છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે આર. માધવનને પૂછવામાં આવ્યું કે ‘ધુરંધર’માં અક્ષય ખન્નાને મળી રહેલી હાઇલાઇટથી શું તે અપસેટ છે? ત્યારે જવાબ આપતાં આર. માધવને કહ્યું કે ‘બિલ્કુલ નહીં. હું અક્ષય માટે ખુશ છું. તેને તેના હકની પ્રશંસા મળી રહી છે. તે બહુ જ ટૅલન્ટેડ ઍક્ટર છે અને જમીન સાથે જોડાયેલો છે. આ સફળતા પછી તે લાખો ઇન્ટરવ્યુ આપી શકતો હતો, પરંતુ તે પોતાના નવા ઘરમાં શાંતિથી બેઠો છે અને એ શાંતિનો આનંદ લઈ રહ્યો છે. શાંતિ હંમેશાં તેની પ્રાયોરિટી રહી છે. સાચું કહું તો મને લાગતું હતું કે પબ્લિક અટેન્શનના મામલે હું સૌથી ઓછો લાઇમલાઇટમાં રહું છું, પરંતુ અક્ષય ખન્ના તો એકદમ અલગ જ લેવલ પર છે. તેને કોઈ ફરક પડતો નથી. સફળતા હોય કે નિષ્ફળતા... બન્ને તેના માટે એકસરખી છે.’


