કંગનાએ રાહુલ ગાંધીને દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે ખતરાસમાન ગણાવતાં કહ્યું કે ‘રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે
કંગના રનૌત અને રાહુલ ગાંધી
ઍક્ટ્રેસ અને BJPની સંસદસભ્ય કંગના રનૌતે હાલમાં એક સમિટમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા છે. તાજેતરમાં AI ઇમ્પૅક્ટ સમિટમાં કૉન્ગ્રેસે કરેલા વિરોધ-પ્રદર્શન વિશે કંગનાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ શરમજનક ઘટના છે, એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આ રીતે કપડાં ઉતારીને પ્રદર્શન કરવું સંપૂર્ણપણે અશોભનીય છે. ઉપરથી રાહુલજી પ્રદર્શનકારીઓને ‘બબ્બર શેર’ કહે છે. સાચું કહું તો તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. જ્યારે પણ તેઓ સંસદમાં હોય છે ત્યારે વાતચીત કરતાં વધુ ‘કૉમેડી’ જ જોવા મળે છે. તેમનું વર્તન મવાલી કે ટપોરી જેવું લાગે છે. તેઓ માત્ર પોતાની પાર્ટીના લોકો પાસેથી તાળીઓ પડાવવાની આદત ધરાવે છે. સ્પીકર વારંવાર કહે છે કે મારી તરફ જોઈને બોલો છતાં તેઓ પીઠ ફેરવી પોતાની પાર્ટીના સભ્યો તરફ જોઈને બોલે છે. આ સંસદ, સંવિધાન અને દેશની જનતાનું અપમાન છે.’
કંગનાએ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસને વિસર્જિત કરી દેવી જોઈએ, પરંતુ ત્યારે જવાહરલાલ નેહરુએ તેમની વાત માન્ય ન કરી. હવે રાહુલ ગાંધી કૉન્ગ્રેસનું વિસર્જન કરવાનું બાપુનું સપનું પૂર્ણ કરી રહ્યા છે. મને લાગે છે કે કૉન્ગ્રેસ પોતે પણ તેમની હરકતોથી શરમ અનુભવે છે. જો પાર્ટીને બચાવવી હોય તો વધુ સારા ચહેરાની જરૂર પડશે.’
ADVERTISEMENT
રાહુલ ગાંધી દેશ માટે ખતરો
કંગનાએ રાહુલ ગાંધીને દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે ખતરાસમાન ગણાવતાં કહ્યું કે ‘રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે, કારણ કે તેઓ અબુધ છે. વિદેશ જઈને તેઓ ભારતના લોકતંત્ર વિશે ખોટું બોલે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમનું ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ અને આત્મવિશ્વાસ એટલા ઓછા છે કે વિદેશી ભારતવિરોધી શક્તિઓએ તેમના મગજને કબજે કરી લીધું છે અને તેઓ તેમની કઠપૂતળી બની ગયા છે.’
