રજનીકાંતે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને પોતાના વિશે ચાલતી અનેક અફવાઓની સ્પષ્ટતા કરી
રજનીકાંત, વિજય
તામિલ સુપરસ્ટાર રજનીકાંતે ગઈ કાલે ચેન્નઈમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. હકીકતમાં તામિલનાડુ ચૂંટણીના પરિણામ પછી રજનીકાંતની કથિત ચુપ્પીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ બાદ આ પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. કેટલાક લોકો માનતા હતા કે રજનીકાંત આ પરિણામથી નારાજ છે, જ્યારે કેટલાકનો દાવો હતો કે તેઓ પક્ષોના વિલયનો પ્રયાસ કરી રહ્યા છે. હવે રજનીકાંતે આ તમામ વાતોની સ્પષ્ટતા કરી છે.
રજનીકાંતે આ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘જો હું મારા વિશે ફેલાયેલી અફવાઓનો જવાબ નહીં આપું તો લોકો એને સાચી માની લેશે. ચૂંટણીના પરિણામ બાદ હું એમ.કે. સ્ટૅલિનને મળવા ગયો હતો અને એ ચર્ચાનો વિષય બની ગયો. અમારી મિત્રતા રાજકારણથી પર છે. એમ.કે. સ્ટૅલિન હારી ગયા એ સાંભળી મને દુઃખ થયું હોવાને કારણે હું તેમને મળવા ગયો હતો.’
ADVERTISEMENT
રજનીકાંત પર એવો આરોપ પણ લાગ્યો હતો કે TVKને બહુમતી મળ્યા બાદ તેમણે વિજયને અભિનંદન આપ્યાં નહોતાં. આ અંગે તેમણે કહ્યું, ‘અફવાઓ ફેલાવાઈ રહી હતી કે મેં કહ્યું કે વિજયે મુખ્ય પ્રધાન ન બનવું જોઈએ અથવા હું બે પાર્ટીઓનો વિલય કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કેટલાક લોકો કહી રહ્યા હતા કે મેં તેમને ઍરપોર્ટ પર અભિનંદન આપ્યાં નહોતાં એ વાત ખોટી છે. મુખ્ય પ્રધાન બનતાં જ મેં તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. રજનીકાંત કોઈ નીચ અથવા ઘટિયા પ્રકારનો માણસ નથી કે કોઈ વિશે બિનજરૂરી ટિપ્પણી કરે. હું તો રાજકારણમાં જ નથી, તો વિજયથી ઈર્ષ્યા શા માટે કરું? કદાચ કમલ હાસન મુખ્ય પ્રધાન બન્યો હોત તો ઈર્ષ્યા થાત. વિજય અને મારી વચ્ચે ૨૫ વર્ષનું અંતર છે. જો અમે આવું કરીએ તો એ સારું નહીં લાગે.’
જ્યારે વિજયની પાર્ટી રાજ્યપાલ સમક્ષ બહુમતી સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે રજનીકાંતે કોઈ ટિપ્પણી ન કરી અને વિજયના શપથવિધિ સમારંભમાં તેમણે હાજરી ન આપી એ કારણે પણ તેમની ટીકા થઈ હતી. આ અંગે પ્રેસ કૉન્ફરન્સમાં રજનીકાંતે કહ્યું, ‘હું ક્યારેય કોઈ શપથવિધિ સમારંભમાં ગયો નથી. શું તમે મને અગાઉના મુખ્ય પ્રધાનોના શપથવિધિ સમારંભમાં ક્યારેય જોયો છે?’
