અવિનાશ અરુણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે વામિકા ગબ્બીની પસંદગી કરવામાં આવી છે
રાજકુમાર રાવ, વામિકા ગબ્બી
હાલમાં રાજકુમાર રાવ વિખ્યાત લૉયર ઉજ્જ્વલ નિકમની બાયોપિકને લઈને ચર્ચામાં છે. અવિનાશ અરુણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે વામિકા ગબ્બીની પસંદગી કરવામાં આવી છે. વામિકાની પસંદગી વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે ‘રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી વચ્ચે ‘ભૂલચૂક માફ’માં સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી અને હવે નિર્માતાઓ તેમને એકદમ નવા અંદાજમાં પાછાં લાવવાનું વિચારી રહ્યા છે. બન્નેને આ ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવ્યાં છે અને ઑક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેઓ સપ્ટેમ્બરમાં ઍક્ટિંગ વર્કશૉપ કરવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર અને વામિકા પોતાના રોલને સારી રીતે ન્યાય આપવા માટે લુકમાં મોટો ફેરફાર કરશે. આ ફિલ્મમાં ઉજ્જ્વલ નિકમના ૧૯૯૩ના બૉમ્બ-બ્લાસ્ટ અને ૨૦૦૮ના મુંબઈ ટ્રેન હુમલાઓ સાથે જોડાયેલા વિવાદાસ્પદ કેસને હાઇલાઇટ કરવામાં આવશે.’
ઉજ્જ્વલ નિકમ કોણ છે?
ADVERTISEMENT
ઉજ્જ્વલ નિકમ વિશેષ સરકારી વકીલ છે જેમણે હત્યા અને આતંકવાદના મોટા કેસો પર કામ કર્યું છે. તેમને તાજેતરમાં જ કાયદાના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેમણે અનેક મોટા, હાઈ પ્રોફાઇલ કેસ સરકાર વતી લડ્યા છે અને ૨૦૦૮ના ૨૬/૧૧ના કેસમાં અજમલ કસબને ફાંસી અપાવી છે. ૨૦૧૬માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

