ફિલ્મમેકર રાકેશ રોશન અને પિન્કી રોશને જુહુના JVPD વિસ્તારમાં આવેલો ફ્લૅટ ત્રણ વર્ષ માટે લીઝ પર આપ્યો છે. દર વર્ષે પાંચ ટકા ભાડાવધારા સાથે દંપતીને ત્રણ વર્ષમાં આશરે ૧.૮૯ કરોડ રૂપિયાની ભાડાની આવક થશે.
રાકેશ રોશન અને પિન્કી રોશન
ફિલ્મમેકર રાકેશ રોશન અને તેની પત્ની પિન્કી રોશને જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ (JVPD) સ્કીમમાં આવેલો પોતાનો એક ફ્લૅટ ત્રણ વર્ષ માટે લીઝ પર આપ્યો છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર આ લીઝથી દંપતીને ત્રણ વર્ષના સમયગાળામાં આશરે ૧.૮૯ કરોડ રૂપિયાની ભાડાની આવક થશે. આ ફ્લૅટ JVPDમાં આવેલા હિરાલયા બિલ્ડિંગના બીજા માળે છે. લીઝ ઍગ્રીમેન્ટ ૨૪ ઑગસ્ટે રજિસ્ટર કરવામાં આવ્યું હતું, જ્યારે લાઇસન્સનો સમયગાળો ૧૫ ઑગસ્ટથી શરૂ થયો છે. આ ફ્લૅટનું માસિક ભાડું શરૂઆતમાં પાંચ લાખ રૂપિયા છે અને ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન દર વર્ષે એમાં પાંચ ટકાનો વધારો થશે.
પહેલા વર્ષે માસિક ભાડું પાંચ લાખ રૂપિયા રહેશે જેના કારણે વાર્ષિક ભાડાની આવક ૬૦ લાખ રૂપિયા થશે. બીજા વર્ષે ભાડું વધીને દર મહિને ૫.૨૫ લાખ રૂપિયા થશે અને વાર્ષિક આવક ૬૩ લાખ રૂપિયા થશે. ત્રીજા અને અંતિમ વર્ષે માસિક ભાડું વધીને આશરે ૫.૫૧ લાખ રૂપિયા થશે. આ પ્રમાણે ત્રીજા વર્ષે વાર્ષિક ભાડાની આવક આશરે ૬૬.૧૫ લાખ રૂપિયા થશે. ઍગ્રીમેન્ટમાં ૨૧.૭૫ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટનો પણ ઉલ્લેખ છે. જોકે પ્રૉપર્ટીના દસ્તાવેજોમાં ફ્લૅટનું કુલ ક્ષેત્રફળ કેટલું છે અેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
