Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉસ ઍન્જલસમાં રામાયણનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું

લૉસ ઍન્જલસમાં રામાયણનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું

Published : 29 October, 2026 09:59 AM | Modified : 29 October, 2026 10:18 AM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉસ ઍન્જલસમાં આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોના પહેરવેશ અને લુક પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલો રણબીર કપૂર સિલ્વર રંગના ચમકદાર બંધગળાના આઉટફિટમાં જોવા મળ્યો હતો.

ઍકૅડમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સના ડેવિડ ગેફેન થિયેટરમાં યોજાયેલા સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં (ડાબેથી) પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા, રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને ડિરેક્ટર નિતેશ તિવારી

ઍકૅડમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સના ડેવિડ ગેફેન થિયેટરમાં યોજાયેલા સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં (ડાબેથી) પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા, રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને ડિરેક્ટર નિતેશ તિવારી


મંગળવારે અમેરિકાના લૉસ ઍન્જલસમાં ‘રામાયણ’ના ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા. ફિલ્મનું વિશેષ 3D સ્ક્રીનિંગ ઍકૅડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સના ડેવિડ ગેફેન થિયેટરમાં યોજાયું હતું. આ થિયેટરમાં આશરે ૯૪૫ લોકો બેસી શકે છે. આ દરમ્યાન પ્રશંસકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા જેના કારણે કાર્યક્રમનું વાતાવરણ ખાસ બની ગયું હતું. 

લૉસ ઍન્જલસમાં આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોના પહેરવેશ અને લુક પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલો રણબીર કપૂર સિલ્વર રંગના ચમકદાર બંધગળાના આઉટફિટમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવીએ લાલ રંગની ઝરદોસી સાડી પહેરી હતી જ્યારે રાવણની ભૂમિકા ભજવનારા યશે તેના પાત્રને અનુરૂપ બ્લૅક આઉટફિટ પહેર્યું હતું. આ સમયે યશની સાથે તેની પત્ની અને ઍક્ટ્રેસ રાધિકા પંડિત પણ હાજર હતી.



યશના રાવણના ૧૦ માથાંવાળા ગોલ્ડન બ્રોચે ખેંચ્યું ધ્યાન


લૉસ ઍન્જલસમાં યોજાયેલા પ્રીમિયરમાં યશ પોતાના ખાસ અંદાજને કારણે ચર્ચામાં આવ્યો હતો. ફિલ્મમાં લંકાપતિ રાવણની ભૂમિકા ભજવી રહેલા યશે રેડ કાર્પેટ પર એવો લુક અપનાવ્યો હતો જેમાં આધુનિક ફૅશનની સાથે પૌરાણિક પાત્રની ભવ્યતા પણ જોવા મળી હતી. તેના કાળા રંગના પોશાકની સૌથી ખાસ વાત જૅકેટ પર લગાવેલું ગોલ્ડન બ્રોચ હતું જેના પર રાવણનાં દસ માથાંની આકૃતિ કંડારવામાં આવી હતી. આ અનોખી ઍક્સેસરીએ તેના દેખાવને ખાસ બનાવવાની સાથે તેના પાત્રની વિદ્વત્તા અને શક્તિનો પણ સંકેત આપ્યો હતો.


રાવણ સંપૂર્ણપણે ખરાબ નહોતો

રામાયણમાં માતા સીતાનો રોલ કરનાર સાઈ પલ્લવીનું આ નિવેદન ચર્ચાનું કારણ બન્યું

લૉસ ઍન્જલસમાં ફિલ્મના વિશેષ સ્ક્રીનિંગમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ‘જો તમે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યો વિશે જાણવા ઉત્સુક હો તો આ એક ઉત્તમ શરૂઆત બની શકે છે. અહીં તમને ‘રામાયણ’નું શ્રેષ્ઠ સ્વરૂપ જોવા મળશે. એક ધર્મગ્રંથ તરીકે જો તમે આમાં શ્રદ્ધા ધરાવતા હો તો તમે એ સમજવાનો અને આત્મચિંતન કરવાનો પ્રયાસ કરશો કે તમારી અંદર શું સારું છે અને શું ખરાબ, કારણ કે રાવણ સંપૂર્ણપણે ખરાબ નહોતો. આપણી અંદર રહેલા રાવણને ઓળખવો અને સમય જતાં પોતાનામાં પરિવર્તન લાવવું મહત્ત્વનું છે.’

રામાયણના એન્ડ-ક્રેડિટ સીનમાં હનુમાનના રૂપમાં સની દેઓલની એન્ટ્રી?

‘રામાયણ : રાઇઝ ઑફ અ લેજન્ડ’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. લૉસ ઍન્જલસમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયર બાદ સામે આવેલા પ્રારંભિક ફીડબૅક પ્રમાણે ફિલ્મના પોસ્ટ ક્રેડિટ સીનમાં હનુમાનજીના પાત્રની ઝલક જોવા મળી શકે છે. આ પાત્ર સની દેઓલ ભજવી રહ્યો છે. આ સાથે ફિલ્મના બીજા ભાગની રિલીઝને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’નો બીજો ભાગ આવતા વર્ષની દિવાળીના બદલે ૨૦૨૮ની દિવાળીમાં રિલીઝ થઈ શકે છે. જોકે પોસ્ટ-ક્રેડિટ સીનની વિગતો અને રિલીઝની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રામાયણમાં લિપ-સિન્ક માટે કરવામાં આવ્યો છે AIનો ઉપયોગ

નિતેશ તિવારીએ સ્પષ્ટતા કરી કે ડબિંગ તો કલાકારો જ કર્યું છે

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝમાં હવે વધુ સમય બાકી રહ્યો નથી. આ ફિલ્મ પાંચમી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ત્યારથી જ એની સતત ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા થઈ હતી કે નિર્માતાઓ દ્વારા ફિલ્મના ડબિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ માટે બ્રહ્મા AIની મદદ લેવામાં આવી છે. હવે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરી છે.

નિતેશ તિવારીએ સ્પષ્ટતા કરી છે કે ‘રામાયણ’માં AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે પણ એનો ઉપયોગ માત્ર લિપ-સિન્ક માટે કરવામાં આવ્યો છે, ફિલ્મનું ડબિંગ અસલ કલાકારોએ જ કર્યું છે. સ્થાનિક દર્શકોને ધ્યાનમાં રાખીને પાત્રોને વધુ સ્વાભાવિક બનાવવા માટે AIની મદદ લેવામાં આવી છે. આમ કલાકારો પાસે જ ડબિંગ કરાવવામાં આવ્યું છે અને તેમના અવાજને વધુ સારો બનાવવા તેમ જ એમાં સ્થાનિક ભાષાનો અંદાજ ઉમેરવા માટે બ્રહ્મા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રામાયણ ૧૦૦થી વધુ દેશોમાં ૫૦ હજારથી વધુ સ્ક્રીન પર થશે રિલીઝ

પાંચમી નવેમ્બરે રિલીઝ થનારી ‘રામાયણ’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવા માટે નિર્માતા નમિત મલ્હોત્રાએ મોટો દાવ ખેલ્યો છે.

‘રામાયણ’ના બન્ને ભાગો અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવ્યા છે. તેથી નિર્માતાઓ ભારતની આ શાશ્વત મહાગાથાને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવામાં કોઈ કસર છોડવા માગતા નથી. રિપોર્ટ પ્રમાણે રણબીર અને સાઈ પલ્લવી અભિનીત આ પૌરાણિક ફિલ્મને નિર્માતાઓ ૧૦૦થી વધુ દેશોમાં રિલીઝ કરી રહ્યા છે અને ફિલ્મને વિશ્વભરમાં અંદાજે ૫૦ હજારથી વધુ સ્ક્રીન મળી છે.

‘રામાયણ’ને ૧૦૦થી વધુ દેશોમાં રિલીઝ કરવાનો મુખ્ય ઉદ્દેશ ભારત અને દુનિયા વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધવાનો છે. આ ફિલ્મના માધ્યમથી આંતરરાષ્ટ્રીય દર્શકો આ મહાગાથાની પ્રાસંગિકતા, એનાં મૂલ્યો અને ભારતીય સભ્યતામાં એના મહત્ત્વ વિશે જાણી શકશે.

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 10:18 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK